શુદ્ધ હવા દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર, સરકારોની નિષ્ફળતા એ નાગરિકોને આપવામાં આવેલા મૂળભૂત અધિકારોનું સીધું ઉલ્લંઘનઃ સુપ્રીમ કોર્ટ
તમે માત્ર પરાળી સળગાવવા અંગે કારણ બતાવો નોટિસ જારી કરી રહ્યા છો. આ તમારૂં વલણ છેઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ પર હરિયાણા અને પંજાબ સરકારને ફટકાર લગાવી
નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરની આબોહવા અને પરાળી સફ્રગાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે પંજાબ-હરિયાણાને ફટકાર લગાવી છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, તમે માત્ર પરાળી સળગાવવા અંગે કારણ બતાવો નોટિસ જારી કરી રહ્યા છો. આ તમારૂં વલણ છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંને સરકારો કાયદા મુજબ કાર્યવાહી કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. પરાળી સળગાવવા સામે પગલાં ભરવા અંગે કોઈ ગંભીરતા નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટમાં ખોટી રજૂઆત કરવામાં આવી રહી છે. અમે તિરસ્કારની નોટિસ જારી કરીશું, અન્યથા અમને હકીકત જણાવો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કલમ ૨૧ જીવનના અધિકાર હેઠળ, શુદ્ધ હવા દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. આવી સ્થિતિમાં સરકારોની નિષ્ફળતા એ નાગરિકોને આપવામાં આવેલા મૂળભૂત અધિકારોનું સીધું ઉલ્લંઘન છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને રાજ્યો દ્વારા કરાયેલા પ્રસ્તાવ પર બે સપ્તાહમાં નિર્ણય લેવા અને વફ્રતરની રકમ વધારવા અંગેના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્દેશ આપ્યો છે.
કોર્ટે કહ્યું કે દિલ્હી સરકારે કોર્ટની અગાઉની તમામ સૂચનાઓ પર વિચાર કરવો જોઈએ અને બે અઠવાડિયામાં અનુપાલન રિપોર્ટ દાખલ કરવો જોઈએ. દિલ્હીમાં ૧૩ સ્થળોએ ખુલ્લામાં કચરો સળગાવવાના મુદ્દે એમિકસે સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી. આ ઉપરાંત વાહનોથી થતા પ્રદુષણને ધ્યાને લઈ એમિકસ દ્વારા ટ્રકોની એન્ટ્રી અને ઈન્ડસ્ટ્રીયલ પ્રદુષણ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. આ કેસની આગામી સુનાવણી હવે ૪ નવેમ્બરે થશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે સ્પષ્ટ કરીએ છીએ કે જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય અને આ ચાલુ રહેશે તો અમે કડક આદેશ જારી કરીશું. કોર્ટે કહ્યું કે આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે રાજ્યો અને પંચ વચ્ચે તાલમેલ પણ મહત્વપૂર્ણ છે. જ્યાં સુધી ૧૯૮૬ એક્ટની કલમ ૧૫ હેઠળ પર્યાવરણીય વળતરનો સંબંધ છે, અમને કેન્દ્ર દ્વારા જાણ કરવામાં આવી છે કે પર્યાવરણ, વન અને આબોહવા મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલા નિયમોના આધારે વળતર સમાન કરવામાં આવી રહ્યું છે. અમે કેન્દ્ર સરકારને નિર્ધારિત દંડની રકમ પર પુનર્વિચાર કરવાનો નિર્દેશ આપીએ છીએ. તે જ સમયે, હરિયાણા સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે ૨૪ અધિકારીઓને પોતપોતાના વિસ્તારોમાં પરાળી સળગાવવાની ઘટનાઓને રોકવા માટે પૂરતા પગલાં લેવામાં નિષ્ફળતા બદલ સસ્પેન્ડ કર્યા છે. આ અંગેનો આદેશ ૨૦ ઓક્ટોબરે જારી કરવામાં આવ્યો હતો.આદેશમાં જણાવવામાં આવ્યું છે કે અધિકારીઓને વહીવટી આધાર પર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સુપ્રિમ કોર્ટે પંજાબ અને હરિયાણા સરકારોને પરાળીને બાળવાના દોષિતો સામે કાર્યવાહી ન કરવા બદલ ટકોર કરી હતી, જ્યારે રાજ્યના મુખ્ય સચિવોને ખુલાસો માટે ૨૩ ઓક્ટોબરે હાજર રહેવા જણાવ્યું હતું. રાજધાની દિલ્હીમાં વધતા પ્રદૂષણ માટે પરાળી સળગાવવાનું મુખ્ય પરિબળ છે. બીજી તરફ, દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના પરિવહન પ્રધાનોને પત્ર લખીને બીજા તબક્કામાં પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને તેમના રાજ્યોમાંથી કોઈ ડીઝલ બસ રાષ્ટ્રીય રાજધાનીમાં ન આવે તેની ખાતરી કરવા વિનંતી કરી હતી. GRAPના બીજા તબક્કાના પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને, તેમના રાજ્યોમાંથી કોઈ ડીઝલ બસ રાષ્ટ્રીય રાજધાનીમાં આવવી જોઈએ નહીં.