સાબરમતીને પ્રદૂષિત કરતા 672 એકમોના વીજ જોડાણ તાત્કાલિક અસરથી કાપવા માટે કોર્પોરેશનનો ટોરેન્ટ પાવરને પત્ર

  • જીપીસીબી અને એએમસીને હાઈકોર્ટ દ્વારા નદીમાં થતા પ્રદુષણને નિયંત્રિત કરવાં માટે નક્કર પગલાં લેવાં કડક સુચનાઓ આપાઈ છે
  • ઉધોગોનાં પ્રદુષિત પાણીનો જથ્થો AHSPA CETP પ્લાન્ટની ક્ષમતાથી વધું હોવાને કારણે કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટ નિષ્ફળ
  • CETPનું વીજ જોડાણ બોર્ડનાં આદેશથી કપાયેલ હોવાં છતાં રાત્રીનાં સમયે ઔદ્યોગિક પ્રદુષિત પાણીનો ડ્રેનેજ લાઈન મારફત સાબરમતી નદીમાં નિકાલ
  • ટોરેન્ટ પાવર દ્વારા ઔદ્યોગિક એકમોના સંચાલકોને પત્ર લખી ત્રણ દિવસમાં જીપીસીબીની મંજૂરી ઈમેલ કરવા જણાવાયું

અમદાવાદઃ સાબરમતી પ્રદુષણ મુદ્દે હાઈકોર્ટમાં પી.આઈ.એલ 98/2021 અંતર્ગત સુઓમોટો કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં STPની કાર્યક્ષમતા મુદ્દે હાથ ધરાયેલ સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નદીમાં થતા પ્રદુષણને નિયંત્રિત કરવાં માટે નક્કર પગલાં લેવાં કડક સુચનાઓ આપી હતી. જે અનુસંધાને અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુવેજ ફાર્મ બહેરામપુરા વાળા ઔદ્યોગિક એકમોનાં ગેરકાયદેસર ડ્રેનેજ જોડાણો કાપીને દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેઓને જીપીસીબીના નિયમોનુસાર કાર્યવાહી કરી ગંદા પાણીનો નિકાલ કરવા સૂચના આપવામાં આવી હતી.

આ દરમ્યાન માત્ર દાણીલીમડાનાં ઓદ્યોગિક એકમો માટે કરોડો રૂપિયાનાં ખર્ચે તૈયાર થયેલ CETP પ્લાન્ટમાં સુવેજફાર્મ બહેરામપુરા વિસ્તારના મોટા એકમોનું પ્રદુષિત પાણી ઉમેરાતાં CETP પ્લાન્ટની કેપેસીટી કરતાં વધુ પાણીને કારણે પ્લાન્ટની કાર્યક્ષમતાને વિપરીત અસર પહોંચી હતી અને CETP પ્લાન્ટથી કાયદાકીય જોગવાઈ મુજબ નિર્ધારીત માપદંડો કરતા વધુ ધારાધોરણનું પ્રદુષિત પાણી નદીમાં ઠલવાતું હોવાને કારણે તેમજ હાઇકોર્ટનાં આદેશના અમલ માટેના ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે AHSPA સંચાલિત CETP પ્લાન્ટને ક્લોઝર નોટીસ ફટકારી તેનું વીજ જોડાણ બંધ કરવા માટે હુકમ કર્યો હતો. પરંતુ સદર વિસ્તારનાં ઓદ્યોગિક એકમોનું કોર્પોરેશનની ડ્રેનેજ લાઈનોમાંથી કનેક્શન કાપેલ હોવાં છતાં ફેક્ટરી સંચાલકોએ ગેરકાયદેસર રીતે રાત્રીનાં સમયે ફેકટરીઓમાં ઉત્પાદન ચાલું રાખીને અન્ય વૈકલ્પિક માર્ગો અપનાવીને કોર્પોરેશનની ડ્રેનેજ લાઈનમાં પ્રદુષિત પાણી ઠાલવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાનુ ચર્ચાઈ રહેલ છે. આ દિશામાં સઘન કાર્યવાહી હાથ ધરીને કોર્પોરેશનનાં નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા 5 ઓગસ્ટ, 2024ના રોજ પત્ર લખી ટોરેન્ટ પાવરને  આ વિસ્તારનાં 672 એકમોનું વીજ જોડાણ તાત્કાલિક અસરથી કાપી નાંખવા અંગે જાણ કરવામાં આવી છે.

કોર્પોરેશનથી ગેરકાયદેસર ઔદ્યોગિક પ્રવૃત્તિને ડામવા અને સાબરમતી પ્રદુષિત મુદ્દે નક્કર પગલાં લેવાના નિર્ણયનો તાત્કાલિક અમલ કરવાને બદલે ટોરેન્ટ પાવરનાં અધિકારીઓએ  ફેક્ટરી સંચાલકોને 10 ઓગસ્ટ, 2024ના રોજ પત્ર લખી જી.પી.સી.બી.તરફથી મંજુરી મેળવી ટોરેન્ટ પાવરમાં ઈમેઈલ કરવા માટે ૩ (ત્રણ) દિવસની મુદ્દત આપી તેઓના વીજ જોડાણો કપાય નહીં તે મુજબની તક આપવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.

જોકે, હવે એ જોવાનું રહ્યું કે સદરહું વિસ્તારનાં ફેક્ટરી સંચાલકોને જીપીસીબી પાસેથી અગાઉ  મેળવેલ જુની મંજુરીઓના આધારે વીજ જોડાણો ચાલું રખાવી ઔદ્યોગિક તેમજ પ્રદુષિત પાણી યેનકેન પ્રકારે નદીમાં ઠાલવવા વાળી પ્રવૃત્તિ ચાલું રાખવામાં સફળતા મળે છે કે પછી હાઈકોર્ટનાં સાબરમતી પ્રદુષણને નિયંત્રિત કરવાનાં ઉદેશ્યને સફળતા મળશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news