રાજ્યને પ્લાસ્ટિક બેગ ફ્રી બનાવવા માટે કાપડની બેગના ત્રણ એટીએમનું લોકાર્પણ
ગાંધીનગરઃ રાજ્યને ‘પ્લાસ્ટિક બેગ ફ્રી’ બનાવવા રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ આર. બી. બારડ દ્વારા તેમજ અંબુજા એક્સપોર્ટરના સહયોગથી રાધેકૃષ્ણ મંદિર-ભાડજ, મણિનગર- અમદાવાદ અને નાના અંબાજી- ખેડબ્રહ્મા ખાતે કાપડની બેગના એટીએમ મશીનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જીપીસીબીના અધ્યક્ષ આર. બી. બારડે જણાવ્યું હતું કે, આજે તા. ૩ જુલાઇ ‘આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ’ નિમિત્તે રાજ્યમાં કાપડની બેગનો ઉપયોગ વધે અને પ્લાસ્ટિક બેગથી થતા પ્રદૂષણને અટકાવવાના હેતુથી આ એટીએમ મશીન મુકવામાં આવ્યા છે. આ એટીએમ મશીનના ઉપયોગથી રૂ. ૧૦માં કાપડની મોટી થેલી પ્રાપ્ત થશે. અગાઉ પણ બોર્ડ દ્વારા આ પ્રકારનું એટીએમ મશીન અંબાજી ખાતે મુકવામાં આવ્યું હતું. આગામી સમયમાં બોર્ડ દ્વારા કાપડની થેલીના એટીએમ મશીન યાત્રાધામ સોમનાથ, દ્વારકા, શામળાજી અને સાળગપુર હનુમાન ખાતે પણ મુકવામાં આવશે,તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.