જયપુર જિલ્લાના બસ્સી વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા પાંચ કામદારોના મોત
જયપુર: રાજસ્થાનના જયપુર જિલ્લાના બસ્સી વિસ્તારમાં 23 માર્ચે એક કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં પાંચ કામદારોના મોત થયા હતા જ્યારે બે ગંભીર રીતે દાઝી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિસ્તારના બૈનાડામાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં સાંજે લગભગ 6.30 વાગ્યે બોઈલર ફાટવાના કારણે આગ ફાટી નીકળી હતી અને તેણે એવુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે જેમાં પાંચ કામદારોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ઘાયલોને જયપુરની એમએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં એક કામદારની હાલત વધુ ખરાબ હોવાનું કહેવાય છે.
આગની જાણ થતાં ફાયર બ્રિગેડની અનેક ગાડીઓએ ભારે જહેમત ઉઠાવી આગને કાબૂમાં લીધી હતી. આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા અને મૃતકના પરિવારના એક આશ્રિતને નોકરી અને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે.
આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કહ્યું કે જયપુર નજીક બસ્સીમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાને કારણે નાગરિકોના મોત અત્યંત દુઃખદ છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર પહોંચવા અને રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવા અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ પૂરી પાડવા સૂચના આપવામાં આવી છે. તેમણે ભગવાન શ્રી રામને પ્રાર્થના કરી છે કે તેઓ મૃતકોની આત્માને શાંતિ આપે અને ઘાયલોને ઝડપથી સાજા કરે.
*ફોટો: સાંકેતિક