શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની રૂ. ૨૬૫૯ કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર

યુવાધનનો શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ કરવા માટે ભવિષ્યલક્ષી આયોજન કરવું એ અમારી સરકારની નેમ : શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત

  • છેલ્લા કેટલાક વર્ષોથી રોજગાર કચેરી દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ
  • રાજ્ય સરકારે છેલ્લા ૫ વર્ષમાં ૧૫.૨૧ લાખથી વધુ ઉમેદવારોને રોજગારી પૂરી પાડી
  • ડ્રોન પાયલટ ટ્રેનિંગને વેગ આપવા રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન ખાતે ડ્રોન ઇન્સ્ટ્રક્ટર ટ્રેનીંગ સેન્ટર સ્થપાશે
  • શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫માં નવા ૧૦૦ કેન્દ્રો શરૂ કરાશે
  • શ્રમિકોને પ્રાથમિક સારવાર પહોંચાડવા ૫૦ નવા ધનવંતરી રથ શરૂ કરાશે

    શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાતના આર્થિક અને સામાજિક વિકાસને કારણે રાજ્યમાં રોજગારીની વિપુલ તકોનું નિર્માણ થયું છે. રાજ્યના યુવાધનને રોજગારી આપવામાં ગુજરાતે દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી રોજગાર કચેરી દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે.

    શ્રમ અને રોજગાર મંત્રીએ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૫ વર્ષમાં ૧,૦૮૬ ભરતીમેળાના આયોજન થકી ૧૫.૨૧ લાખથી વધુ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. રાજ્ય સરકારનું ‘અનુબંધમ પોર્ટલ‘ નોકરીદાતા અને રોજગારવાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ કામગીરી કરે છે. આ પોર્ટલમાં હાલની સ્થિતિએ ૩ લાખથી વધુ ઉમેદવાર તથા ૪૭,૦૦૦થી વધુ નોકરીદાતાઓ નોંધાયા છે.

    શ્રમ અને રોજગાર મંત્રી રાજપૂતે કૌશલ્ય વિકાસ પર ભાર મૂકતાં કહ્યું કે, નવી ટેકનોલોજી, નવા સેવાકીય સેક્ટર અને વૈશ્વિક બજારમાં કુશળ વર્કફોર્સની માંગને પહોંચી વળવા રાજ્ય સરકારે યુવાધનને તાલીમબદ્ધ કરવાનો નિર્ધાર કર્યો છે. રાજ્યના યુવાધનનો શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ કરવા માટે ભવિષ્યલક્ષી આયોજન કરવું એ અમારી સરકારની નેમ છે.

    તેમણે કહ્યું કે, કૌશલ્ય વિકાસ ક્ષેત્રે ગુજરાતને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટીય કક્ષાએ પ્રથમ હરોળમાં લાવવા આ વર્ષે બજેટમાં કૌશલ્ય વિકાસ માટે રૂ. ૫૬૮ કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત ભવિષ્યમાં સેમિકન્ડક્ટર હબ બનવા જઈ રહ્યું છે. સેમિકન્ડક્ટર ઉદ્યોગ અનુરૂપ કુશળ માનવબળ તૈયાર કરવા ‘કૌશલ્યા : ધ સ્કીલ યુનિવર્સિટી‘ ખાતે વ્યાપક તાલીમ કેન્દ્રની સ્થાપના કરવા માઈક્રોન કંપની સાથે રાજ્ય સરકારે એમઓયુ કર્યા છે.

    શ્રમ અને રોજગાર મંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટાથી શરૂ કરાયેલી ‘કૌશલ્યા : સ્કીલ યુનિવર્સીટીની‘ હેઠળ ન્યુ એઇજ સ્કીલ આધારિત ૬ વિદ્યા શાખા શરૂ કરવામાં આવી છે. આ વિદ્યા શાખા હેઠળ નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ને અનુરૂપ ૧૨૦ જેટલા વિવિધ અભ્યાસક્રમો અંતર્ગત વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરી રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે.

    કૌશલ્યા : ધ સ્કિલ યુનિવર્સિટીએ ડ્રોન ઉત્પાદન અને ડ્રોન તાલીમ માટે  “ડ્રોન મંત્રા” લેબોરેટરી પણ વિકસાવી છે. ડ્રોન ક્ષેત્રના વિકાસને ધ્યાને લઇ ડ્રોન પાયલટ ટ્રેનિંગને વેગ આપવા રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન ખાતે ડ્રોન ઇન્સ્ટ્રક્ટર ટ્રેનીંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે, તેમ શ્રમ અને રોજગાર મંત્રીએ જણાવ્યું હતું.

    શ્રમ અને રોજગાર મંત્રી રાજપૂતે શ્રમયોગી કલ્યાણ અંગે વાત કરતા કહ્યું હતું કે, ગુજરાતના શ્રમયોગીઓના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. તેમણે ઉમેર્યું કે, શ્રમિકોને આર્થિક સહાય પૂરી પાડવા વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦.૬૭ લાખથી વધુ શ્રમિકોને રૂ. ૧૩૧૫ કરોડની રકમ બોનસ તરીકે ચૂકવવામાં આવી છે, જે બોનસ પેટે ચૂકવાયેલ સૌથી વધુ રકમ છે.

    તેમણે કહ્યું કે, માત્ર પાંચ રૂપિયાના નજીવા દરે શ્રમિકોને પૌષ્ટિક ભોજન પૂરી પાડતી શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતગર્ત વર્ષ ૨૦૨૩-૨૪માં નવા ૧૫૦ કેન્દ્રોની શરૂઆત કરવામાં આવતા રાજ્યમાં કેન્દ્રોની સંખ્યા વધીને ૨૭૮ થઈ હતી. આગામી વર્ષ ૨૦૨૪-૨૫માં નવા ૧૦૦ કેન્દ્રો શરૂ કરવા માટે રાજ્ય સરકારે બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે.

    અન્ન સુરક્ષા ઉપરાંત શ્રમિકોને આરોગ્ય સુવિધા પૂરી પાડવા રાજ્યમાં હાલ ૧૫૪ ધનવંતરી આરોગ્ય રથ કાર્યરત છે. આ ૧૫૪ રથ થકી અત્યાર સુધીમાં કુલ ૮૦ લાખથી વધુ ઓ.પી.ડી. થઈ છે. રાજ્યભરના શ્રમિકોને પ્રાથમિક સારવાર પહોંચાડવા ૫૦ નવા ધનવંતરી રથો કાર્યાનવિત કરવામાં આવશે, તેવી શ્રમ અને રોજગાર મંત્રીએ માહિતી આપી હતી.

    વધુમાં શ્રમ અને રોજગાર મંત્રીએ ઉમેર્યું કે, નોંધાયેલા બાંધકામ શ્રમિકના બાળકોના અભ્યાસ માટે ભરેલ કુલ ફીના ૧૦૦% રકમની સહાય આપવા નિવાસી શિક્ષણ સહાય યોજના, ગુજરાત સામુહિક જુથ અકસ્માત યોજના, મરણોત્તર ક્રિયા માટે અંત્યેષ્ઠી સહાય જેવી વિવિધ યોજનાઓ અમલમાં છે. અંત્યેષ્ઠી સહાય યોજના હેઠળ રૂ.૫૦૦૦ સહાય આપવામાં આવતી હતી, જેમાં વધારો કરીને વર્ષ ૨૦૨૪-૨૫થી સહાયની રકમ રૂ. ૧૦,૦૦૦ કરાઇ છે.

    શ્રમ અને રોજગાર મંત્રી રાજપૂતે કહ્યું કે, ગંભીર રોગ સિલિકોસીસથી અવસાનના કિસ્સામાં શ્રમિકોના વારસદારોને આર્થિક સહાય અંગેની સુરક્ષા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫થી સહાયની રકમ રૂ. ૧.૦૦ લાખથી વધારીને રૂ. ૪.૦૦ લાખ કરાઇ છે. આ ઉપરાંત બાંધકામ શ્રમિકો માટે “શ્રમિક બસેરા” યોજના અંતર્ગત માત્ર પાંચ રૂપિયા પ્રતિ દિન પ્રતિ શ્રમિક ભાડાના દરથી શ્રમિકોને રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવશે.

    સંગઠિત ક્ષેત્રે ફરજ બજાવતા શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોને પ્રાથમિક સારવાર મળી રહે તે હેતુસર મોબાઈલ મેડિકલ વાન યોજના અમલમાં છે. આ યોજના અન્વયે ૧૯ મોબાઈલ મેડીકલ વાન કાર્યરત છે. ચાલુ નાણાંકીય વર્ષમાં વધુ છ મોબાઇલ મેડિકલ વાન ખરીદવામાં આવશે, તેમ શ્રમ અને રોજગાર મંત્રીએ જણાવ્યું હતું.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news