Ayodhya Shree Ram Mandir: ગુજરાતભરમાં દિવાળી જેવો માહોલ, ક્યાંક ડીજે, શોભાયાત્રા, ફટાકડા, કિર્તન, તો ક્યાંય પ્રસાદી વહેંચાઈ
અમદાવાદ: અયોધ્યામાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થતાંની સાથે જ ગુજરાતભરમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. ઠેર-ઠેર શ્રી રામના નારા લગાવી ઉજવણી કરવામાં આવી હતી તેમજ અમદાવાદમાં બજરંગ દળ દ્વારા તલવાર સાથે કરતબો દેખાડ્યા હતા. શહેરના આશ્રમ રોડ અને અલગ અલગ જગ્યાએ ફટાકડા ફોડી લોકોએ પ્રાણપ્રતિષ્ઠાના મહોત્સવને વધાવ્યો હતો. ગુજરાતભરમાં એક જ ગીત ગુંજી રહ્યું છે કે ‘ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રીરામ બોલેગા…’ તેમજ સમગ્ર રાજ્યમાં લોકોએ એલઇડી સ્ક્રીન પર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિહાળ્યો હતો. પ્રાણપ્રતિષ્ઠા થતાં જ રાજ્યભરમાં લોકોએ ગરબાની પણ રમઝટ બોલાવી હતી. અમદાવાદમાં ગલીએ ગલીએ રોડ ઉપર જય શ્રી રામ અને કેસરી ધજાઓ જ દેખાઈ રહી છે.
અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરમાં પણ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બપોરે ૧૨ વાગ્યે ભવ્ય શંખનાદ કરવામાં આવ્યો હતો. પ્રાણ પ્રતિષ્ઠા શરૂ થઈ ત્યારે મંદિર પરિસરમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. બેન્ડબાજા સાથે મંદિર પરિસરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તેમજ શણગારેલા હાથીઓ સાથે શોભાયાત્રા પણ યોજાઇ હતી.
આજે અભિજીત મુહૂર્તમાં અયોધ્યાધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત વર્ષના સાધુ-સંતો તથા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓનલાઈન માધ્યમથી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અમદાવાદના શીલજ ગામે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને પ્રથમ આરતીના ઓનલાઈન દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ અવસરે મુખ્યમંત્રીએ તમામ ગુજરાતીઓવતી ભવ્ય રામમંદિરની ભેટ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજના ઐતહાસિક અવસરે સૌ ભારતીયોની આતુરતાનો અંત આવ્યો છે. વડાપ્રધાનના કર કમલો દ્વારા ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ છે. વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસ અને વિરાસતના કાર્યો અવિરત ચાલતા રહે તેવી પ્રભુ શ્રી રામના ચરણોમાં પ્રાર્થના છે. આજના પાવન પ્રસંગે શીલજ ગામના ચોકમાં આયોજિત સમારોહમાં ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
સી.આર. પાટીલે મોટી જાહેરાત કરી છે. આગામી દિવસોમાં રામજન્મભૂમિ આંદોલનમાં જેમણે કારસેવક તરીકે ભૂમિકા ભજવી હતી તેમને અયોધ્યા લઈ જવા માટેની અલાયદી વ્યવસ્થા કરાશે. લોકસભાદીઠ જેટલા પણ કારસેવક હશે તેમની ઓળખ કરીને તેમને અયોધ્યા લઈ જવાશે. કારસેવકો વયોવૃદ્ધ હશે તો તેમના પરિવારની એકાદ વ્યક્તિને પણ તેમની સાથે લઈ જવાશે. જમવા, રહેવા સહિતની વ્યવસ્થા કરવામાં આવશે. કારસેવકોને કોઈપણ મુશ્કેલી પ્રવાસ દરમિયાન નહીં રહે તેવી વ્યવસ્થા કરાશે.
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પણ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ધર્મનાથ સોસાયટી દ્વારા બહાર રંગોળી અને શણગાર કરી સોસાયટી સજાવવામાં આવી હતી. આજે ભગવાનની પ્રાણપ્રતિષ્ઠાને લઈને શોભાયાત્રામાં મેયર પ્રતિભા જૈન અને સ્થાનિક ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા જોડાયાં હતાં. ગુજરાતભરમાં ડીજેના તાલે ભગવાન રામના ભજન સાથે લોકો ઝૂમી રહ્યા છે તેમજ ઠેર- ઠેર મંદિરોમાં પ્રસાદીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ભગવા રંગે આખું ગુજરાત રંગાયું છે.
વડોદરાથી ૩૦૦ રામભક્ત અને ૧૫૦ માળી સમાજના ભાઈઓ દ્વારા ૩૫,૦૦૦ કિલો ફૂલોથી આખી અયોધ્યા નગરીનો શણગાર કરવામાં આવ્યો છે, સાથે શ્રી રામના નવનિર્મિત મંદિરનો ૩ દિવસ હેલિકોપ્ટર દ્વારા ફૂલોનો અભિષેક કરવામાં આવ્યો હતો. સાત રાજ્યમાંથી ફૂલો મગાવવામાં આવ્યાં હતા. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. કાર અને બાઈકનો મોટો કાફલો થઈ જતાં અડધો કિમી જેટલી આ ભવ્ય શોભાયાત્રા લાંબી હતી. દરેક કાર અને બાઇક પર ભગવાન રામની તસવીર સાથેના ધ્વજ લહેરાતા હતા.
રાજકોટના કાલાવડ રોડ પર બનેલા સૌરાષ્ટ્રના સૌપ્રથમ ડબલડેકર શ્રી રામ બ્રિજના પિલર પર ચિત્રનગરીના ૩૫ કલાકારો દ્વારા ભગવાન શ્રી રામના જીવન આધારિત અલગ અલગ ૨૨ ચિત્ર દોરવામાં આવ્યાં છે, જે રાજકોટ શહેરમાં આકર્ષણનું કેન્દ્ર જમાવી રહ્યાં છે.
રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાને લઈ સવારથી જ અમદાવાદમાં ભક્તિમય માહોલ સર્જાયો છે. સવારથી જ મંદિરોમાં સુંદરકાંડ અને હવન શરૂ થયા છે. વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા પણ નીકળી રહી છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા અયોધ્યાધામ રામજી મંદિર ખાતે ૧૦૮ કુંડી મારૂતિ યજ્ઞ ચાલી રહ્યો છે. મંદિરે દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા છે.
વડોદરાના ફેમસ ટેસ્ટી વડાપાઉં ખાતે લાંબી લાઈનો લાગી છે. ૧૦થી ૪ વાગ્યા દરમિયાન વડાપાંઉ ફ્રીમાં પ્રસાદીરૂપે આપવામાં આવશે, આથી લોકોની લાંબી લાંબી લાઈનો લાગી ગઈ છે. ૮ કારીગરો દ્વારા સતત વડાપાંઉ બનાવવામાં આવી રહ્યા છે. જ્યારે પ્રતાપનગર રોડ પર ઓમ સાંઇનાથ નાસ્તા હાઉસ ખાતે સેવ-ઉસળ બપોરે ૧ વાગ્યા સુધી ફ્રીમાં આપવામાં આવ્યા હતા. અહીં પણ લોકો ખાવા માટે ઊમટ્યા છે.
અમદાવાદના એસજી હાઇવે ખાતે આવેલા સોલા ભાગવત વિદ્યાપીઠમાં સાપ્તાહિક અનુષ્ઠાન યોજવામાં આવ્યું છે, જેમાં દરરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૨૪ કલાકથી અખંડ રામાયણના પારાયણ કરવામાં આવી રહી છે. સતત સાત દિવસ સુધી દરરોજ રામયાગ કરવામાં આવ્યો હતો. જેમાં સોલા ભાગવત વિદ્યાપીઠના ઋષિ કુમારો દ્વારા ૧,૨૫,૦૦૦ આહુતિ આપીને આજરોજ શ્રીરામયાગ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
આજે જ્યારે ભગવાન શ્રીરામ અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થશે એ પૂર્વે વહેલી સવારથી જ રામધૂનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત રામજીવનના કેટલાક તબક્કાઓનું બાળકો દ્વારા પ્રદર્શન પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતુ તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ અયોધ્યામાં જે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયું એનું લાઈવ પ્રસારણ પણ ઋષિકુમારો શાળાનાં બાળકો બીએડ કોલેજના વિદ્યાર્થીઓ તથા મંદિરમાં આવનાર સર્વે ભક્તો નિહાળી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે બાલિકાઓ દ્વારા યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમ પૂર્વેની તૈયારીઓ ચાલી રહી છે.
સુરતના નાના વરાછા ખાતે આવેલા શાંતિકુંજ ગાર્ડન પાસે ૩૫ જેટલાં બાળકો દ્વારા રામાયણને જીવંત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ખાસ આસપાસની સોસાયટીમાં રહેલા વડીલોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ હાજરી આપી હતી. ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાન સહિતનાં પાત્રો બનીને બાળકો આવ્યાં હતાં, જેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે એલઇડી સ્ક્રીન મૂકીને અયોધ્યામાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠાની પણ જાવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની લઈ સુરતના સિટીલાઈટ વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ભગવાન શ્રીરામ લક્ષ્મણ અને જાનકી સહિત હનુમાન સાથે આ શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં મહિલાઓથી લઈ પુરૂષો મોટી સંખ્યામાં જોડાયાં હતાં. જય શ્રીરામના નારા સાથે રસ્તાઓ પરથી પસાર થઈ રહેલી આ શોભાયાત્રાથી સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલ ગુંજી ઊઠ્યો હતો.
નડિયાદના જાણીતા સંતરામ મંદિરમાં પણ ચોગાનની અંદર ૫૧૧ ફૂટની વિશાળ ૩ડી રંગોળી બનાવવામાં આવી છે, જેમાં અંદાજિત ૫ મણ (૧૨૫ કિલો)થી વધુ કલરનો ઉપયોગ કરાયો છે. આ ઉપરાંત ૨૦ જુદા જુદા કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને આવકારવામાં આવ્યો છે. મંદિરના સ્વયંસેવક સહિત કાર્યકરો અને પ્રાતસ્મારણીય રામદસજી મહારાજની પ્રેરણાથી આ રંગોળી બનાવાઈ છે.
અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ ચાણસદમાં નારાયણ સરોવર રોશની અને દીવડાઓથી ઝગમગી ઊઠ્યું છે, જેનાં દૃશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયાં છે. ત્રિ-દિવસીય રામપૂજન કાર્યક્રમ અંતર્ગત બીએપીએસના પૂજ્ય સંતો દ્વારા પ્રભુ શ્રીરામની પ્રતિમાને પાલખીમાં બિરાજમાન કરી સમગ્ર નારાયણ સરોવર પરિસરમાં ધૂન, ભજન સાથે પરિક્રમા કરાવવામાં આવી હતી. ત્યાર બાદ ઉપસ્થિત હજારો ભક્તજનોએ ચંદનથી પ્રભુની પ્રતિમાનું પૂજન કરી ધન્યતા અનુભવી હતી.
સુરત સિવિલ હોસ્પિટલ રામમય ભક્તિમાં ડૂબી છે. નર્સિંગ અગ્રણી ઇકબાલ કડીવાળાની આગેવાનીમાં નર્સિંગ સ્ટાફે સિવિલ કેમ્પસમાં રેલી કાઢી ધાર્મિક માહોલ બનાવી દીધો છે. આખું કેમ્પસ જય શ્રીરામના નારા સાથે ગુંજી ઊઠ્યું છે. નર્સિંગ સ્ટાફે કેસરિયા પહેરવેશ સાથે રેલી કાઢી હતી.