મધ્યપ્રદેશના સીએમ તરીકે મોહન યાદવે, નાયબ મુખ્ય પ્રધાન તરીકે રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવરાએ શપથ લીધા
ડૉ. મોહન યાદવ મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા છે. તેમણે સીએમ તરીકે આજે ૧૩ ડિસેમ્બરને બુધવારે શપથ લીધા છે. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણ બેઠક પરથીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. ડૉ મોહન યાદવને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નજીકના માનવામાં આવે છે. તે અન્ય પછાત વર્ગ (ઓબીસી) સમુદાયમાંથી આવે છે. મોહન યાદવ શિવરાજ સિંહ ચૌહાણના અનુગામી બન્યા છે.
શિવરાજ ચાર વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. મધ્યપ્રદેશમાં આજથી ડૉ. મોહન યાદવની સરકાર સત્તાવાર રીતે સત્તા પર આવી છે. ઉજ્જૈન દક્ષિણ બેઠકના ધારાસભ્ય ડૉ. મોહન યાદવે બુધવારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જ્યારે, રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવરાએ મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉપરાંત બીજેપી શાસિત ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને બીજેપીના ઘણા વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. આજનો શપથ સમારોહ ભોપાલના લાલ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ આ કાર્યક્રમમાં હાજરી આપી છે.
ચૂંટણીના પરિણામો બહાર આવ્યાના એક સપ્તાહ સુધી ચાલેલી વિવિધ અટકળોનો સોમવારે અંત આવ્યો હતો. ભાજપે સોમવારે ડૉ. મોહન યાદવને મધ્યપ્રદેશના નવા મુખ્ય પ્રધાન તરીકે ચૂંટ્યા અને પક્ષના દિગ્ગજ નેતા શિવરાજ સિંહ ચૌહાણ પાંચમી વખત મુખ્ય પ્રધાન પદ સંભાળીને રેકોર્ડ બનાવવામાં નિષ્ફળ ગયા હતા.