કોંગોમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે ૧૪ લોકોના મોત
આફ્રિકન ખંડનો બીજા સૌથી મોટો દેશ કોંગો પૂર અને ભૂસ્ખલનની ઝપેટમાં છે. આ દિવસોમાં બુકાવુ શહેરમાં પૂર અને ભૂસ્ખલન તબાહી મચાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, કોંગોના બુકાવુ શહેરમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન અને મકાનો ધરાશાયી થવાને કારણે ૧૪ લોકોના મોત થયા છે. અગાઉ સપ્ટેમ્બરમાં, મુશળધાર વરસાદને કારણે ઉત્તર-પશ્ચિમ કોંગોમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં ઓછામાં ઓછા ૧૭ લોકો માર્યા ગયા હતા.
સિવિલ સોસાયટી ઓર્ગેનાઈઝેશન ફોર્સિસ વાઈવ્ઝના પ્રમુખ મેથ્યુ મોલના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના ઉત્તર પશ્ચિમ મોંગલા પ્રાંતના લિસ્લે શહેરમાં કોંગો નદીના કિનારે થઈ હતી. મે મહિનામાં, કોંગોના દક્ષિણ કિવુ પ્રાંતમાં કાલેહે વિસ્તારમાં પૂર અને ભૂસ્ખલનથી તબાહી સર્જાઈ હતી. આ દરમિયાન હજારો ઘરો, શાળાઓ અને હોસ્પિટલો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ સાથે સેંકડો લોકોના મોત પણ થયા હતા. રિપોર્ટ અનુસાર આ દુર્ઘટનામાં ૧૭૦થી વધુ લોકોના મોત થયા છે. સતત બે દિવસથી ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે બુશુશુ અને ન્યામુકુબી ગામમાં પાણી ભરાઈ ગયા હતા.
અગાઉ ચક્રવાત ફ્રેડીએ આફ્રિકાના ઘણા દેશોમાં તબાહી મચાવી હતી. અહીં માલાવી, મોઝામ્બિક અને મેડાગાસ્કરમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે ઘણું નુકસાન થયું છે. આ દેશોમાં હજારો લોકોના ઘરો નાશ પામ્યા હતા.