ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતે મોઢેરાથી બહુચરાજી સુધીના નવા વોકવેની મોઢેશ્વરી મંદિર મોઢેરાથી કરાવી શરૂઆત

મહેસાણાઃ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્રારા આજ રોજ મોઢેરાથી બહુચરાજી સુધીના ૧૫ કિલોમીટરનાં નવા માર્ગ પર પદયાત્રાનો આરંભ કરવામાં આવ્યો. યાત્રામાં રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે અનેક મહાનુભાવો અને લોકો જોડાયા હતા. રૂટના  વિવિધ ગામોમાં કાર્યકરો દ્રારા સ્વાગત કરવામાં આવ્યું. સવિશેષ પોયડા ગામમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓએ સાફો અને ફુલહારથી મંત્રી અને પદયાત્રીઓનું સ્વાગત કર્યું હતું. પદયાત્રાના  માર્ગમાં સાંસ્કૃતિક નૃત્ય, ગરબાની રમઝટ બોલાવી તેમજ લીંબૂ સરબત, છાશ, પાણીના સેવકેન્દ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રામાં મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે ધારાસભ્યો, પદાધિકારીઓ, પદયાત્રીઓએ ઉત્સાહભેર બહુચરાજી ખાતે માઁ બહુચરના દર્શન કરી ગુજરાતના સર્વાંગી વિકાસની પ્રાર્થના કરી હતી.

આ અવસરે મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું આજે એ વાતનો આનંદ છે કે દેવદિવાળી દેવોની દિવાળી છે, ત્યારે મોઢેરા માતંગી માતાથી બહુચરાજી માતા સુધીની પદયાત્રા ખુબ સફળ રહેશે. ભગવાન શ્રીરામ પણ અહીં ત્રણ દિવસ રોકાયા હતા. બંને યાત્રાધામ વચ્ચે પગદંડી બને અને યાત્રાધામનો વિકાસ થાય તેમજ આ યાત્રાધામ યાત્રાળુઓનું શ્રદ્ધાનું કેન્દ્ર બને તેવું આયોજન થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું હતુ કે આવનાર સમયમાં આ વિસ્તાર વટવૃક્ષ બની સર્વાંગી વિકાસ થાય તેવો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે.

ઉત્તર ગુજરાતના પ્રવાસન સ્થળો અંબાજી, ધરોઈ, વડનગર, મોઢેરાનો વિકાસ થયો છે. તેની માહિતી આપતા મંત્રી બળવંતસિંહે જણાવ્યું હતું કે અનેકવિધ વિકાસ કામોને કારણે યાત્રાધામનું જે વટવૃક્ષ બનવા જઈ રહ્યું છે તેના આજે આપણે સાક્ષી બનવાના છીએ.

આ પ્રસંગે પૂર્વ મંત્રી રજનીભાઇ પટેલે જણાવ્યુ કે ધર્મ આપણને બધાને જોડતી કડી છે. એક ભારત, શ્રેષ્ઠ ભારતનાં સંકલ્પ સાથે આ વિસ્તારના પ્રવાસન સ્થાનોનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર કામ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આપણે નસીબદાર છીએ આપણા પ્રધાનમંત્રી પ્રવાસનને ખૂબ વેગ આપી રહ્યા છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શ્રી ભક્તિ શક્તિ પદયાત્રા ગુજરાત સરકાર દ્વારા ફરી એવું જ એક ભવ્ય આયોજન છે.

શ્રી બહુચરાજી માતાજી મંદિર, બહુચરાજી અને શ્રી મોઢેશ્વરી માતાજી મંદિર, મોઢેરા બન્ને યાત્રાધામો ખાતે ભક્તો બહોળા પ્રમાણમાં આવે છે અને વાર-તહેવારે લાખોની સંખ્યામાં પણ શ્રદ્ધાળુઓ પદયાત્રા કરતા હોય છે. બન્ને મંદિરો વચ્ચેના યાત્રામાર્ગનું અંતર લગભગ ૧૫ કી.મી. જેટલું છે. શ્રી મોઢેશ્વર માતાજી મંદિરથી લઈ શક્તિપીઠ તીર્થ શ્રી બહુચરાજી માતાજી મંદિર સુધીના અંદાજીત ૧૫ કી.મી.ના યાત્રામાર્ગ પર ભાવિક ભક્તો દ્વારા વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ પદયાત્રાનો હેતુ શક્તિપીઠ તીર્થ બહુચરાજી અને માતંગી તીર્થ શ્રી મોઢેશ્વરી માતાજી મંદિર મોઢેરા આ બન્ને ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો વચ્ચે ભક્તિનો સેતુ રચવાનો અને તેના મારફતે જન જનમાં શક્તિ અને ભક્તિનો સંચાર કરવાનો છે.

ભવિષ્યના લાંબા ગાળાના આયોજનના ભાગરૂપે પગદંડી બનાવવા માટે જમીન સંપાદનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જેમાં માટીકામ, બન્ને બાજુ વૃક્ષારોપણ, સાઈનબોર્ડ જેવી કામગીરીનો પણ સમાવેશ થાય છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત ઉધોગ મંત્રી બળવંતસિંહ રાજપુત, સાંસદ સભ્ય શારદાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, પૂર્વ મંત્રી રજનીભાઇ પટેલ, પૂર્વ સાંસદ સભ્ય જયશ્રીબેન પટેલ, ધારાસભ્ય  સુખાજી ઠાકોર, મુકેશભાઈ પટેલ. કિરીટભાઈ પટેલ, સરદારભાઈ ચૌધરી, કરશનભાઇ સોલંકી, પ્રવાસન સચિવ શુક્લા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના આર. આર. રાવલ,  જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર, કલેક્ટર નાગરાજન, ડી.ડી.ઓ ઓમ પ્રકાશ, પદાધિકારીઓ, દૂધસાગર ડેરી ચેરમેન અશોકભાઈ ચૌધરી, એ.પી.એમ.સી ચેરમેનશ્રી દિનેશભાઈ પટેલ તેમજ પદયાત્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news