વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવતા આ જિલ્લામાં વરસી શકે છે મેઘરાજા
અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજકટો, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડ્યાં. ગોંડલ શહેરમાં જુદાજુદા વિસ્તારમાં વરસાદ વરસ્યો. માર્કેટ યાર્ડમાં ભારે વરસાદને લઈને ખુલ્લામાં પડેલ મગફળી પલળી ગઇ હતી. તાલુકાના મોવિયા સહિતના અનેક ગામોમાં વરસાદ વરસ્યો. ગોંડલ પંથકમાં વરસાદને લઈને કપાસ અને મગફળી સહિતના પાકને નુકસાન થયું છે. રાજકોટ શહેરમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. મવડી રોડ, કાલાવડ રોડ અને ગોંડલ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.
નવરાત્રી પહેલા વરસાદનો માહોલે જમાવટ કરતાં નવરાત્રીમાં પણ વરસાદ રંગમાં ભંગ પાડે તેવી શક્યતા નકારી ન શકાય.. જેતપુરમાં પણ ગઇકાલે સાંજના સમયે વરસાદી માહોલે જમાવટ કરી હતી. જેતપુર સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતા. જેતપુરમાં પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જેતપુર વીતીન બત્તી ચોક, સ્ટેન્ડ ચોક, જૂનાગઢ રોડ, એમજી રોડ, અમરનગર રોડ સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જામનગરમાં મોડી રાત્રે કાલાવડ શહેર તથા તાલુકાના અનેક ગામોમા વરસાદ વરસ્યો. કાલાવડમાં ગત રાત્રીના ૪૦ મીમી વરસાદ પડયો છે. કાલાવડ શહેર ઉપરાંત તાલુકાના નીકાવા, શિશાંગ, રાજડા, મોટા વડાલા, આણંદ પર સહિતના ગામોમા પણ વરસાદ પડ્યો હતો.
જુનાગઢ જિલ્લામાં પણ ગઇકાલથી વાતાવરણમાં પલટો આવ્યો હતો જુનગઢ પંથકમાં વરસાદના આગમનથી બફારાથી રાહત મળી હતી અને ઠંડક પ્રસરી ગઇ હતી. જૂનાગઢના વંથલીમા વરસાદ વરસ્યો હતો. લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ છવાયો હતો. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વંથલી, શાપુર, મોટા કાજલિયાડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. જો કે આ વરસાદ મગફળીના પાકને નુકસાન કરે તેવી ચિંતા સતાવી રહી છે.
અમરેલીના વડીયા પંથકના અમુક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમરેલીના નાજાપુરમાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓમાં પાણી વહેતા થઇ ગયા હતા. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ૪થી૫ દિવસ ગુજરાતના જુદા જુદા જિલ્લામાં વરસાદ પડી શકે છે. નવરાત્રી ૧૫ ઓક્ટોબર એટલે કે કાલથી શરૂ થઇ રહી છે આ સ્થિતિમાં નવરાત્રીના આગળના દિવસમાં વરસાદ વિધ્ન રૂપ બને તેવી શક્યતા જોવાઇ રહી છે.