મહીસાગરના લાડપુરમાં બે મકાનમાં ભીષણ આગ, ૮ પશુઓના મોત
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના લાડપુર ગામના એક મકાનમાં આજે સવારે અચાનક આગ લાગી હતી. જોતજોતામાં જ બાજુમાં આવેલુ મકાન પણ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. આગ લાગતા જ નાસભાગ મચી ગઇ હતી અને મકાન પાસે ખીલે બાંધેલા ૮ પશુના મોત થયા હતા. આ ઉપરાંત અનાજ અને તમામ ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. કડાણા તાલુકાના લાડપુર ગામના દિનેશ લાલા ખાંટના મકાનમાં અચાનક જ આગ ફાટી નીકળતા પશુઓમાં નાસભાગ મચી ગઈ હતી. જેથી લોકોએ તુરંત જ પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.
બે મકાનો બળીને ખાખ થઈ ગયા હતા અને જેમાં ખીલે બાંધેલાં ૮ પશુઓના મૃત્યુ થયા હતા. મકાનમાં આગ લાગવાનું કારણ હજી સુધી બહાર આવ્યું નથી. મકાનોમાં આગ લાગવાની ઘટનાને પગલે કડાણા તાલુકાના અધિકારીઓ અને પોલીસ તુરંત જ અસરગ્રસ્ત દિનેશ લાલા ખાંટને ત્યાં દોડી ગઇ હતી અને અસરગ્રસ્તોને મળીને સાંત્વના પાઠવી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને આગથી અસરગ્રસ્ત પરિવારોએ જરૂરી સહાય આપવાની માંગ કરી હતી. આ ઉપરાંત રહેવા માટે મકાન મળે તે માટે તંત્ર દ્વારા ખાસ કિસ્સામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસનો લાભ આપવામાં આવે તે અંગેની રજૂઆત કરી હતી.
આ પહેલા ૧૦ જાન્યુઆરીના રોજ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામના તબેલા આગ લાગતાં ૧૬ ગાય-વાછરડાં અને ૧ ઘોડીનું મોત થયું હતું. જ્યારે ૧૨ ગાય-વાછરડાં દાઝ્યાં હતાં. નેત્રંગથી ૩૫ કિ.મી. દૂર ઝઘડિયામાં ફાયર સ્ટેશન હોવાથી પશુઓને બચાવી શકાયાં નહોતાં. જેથી પશુપાલકે નજીકમાં ફાયર સ્ટેશન બનાવવાની માગ કરી હતી.