ભાજપે કહ્યુ,”વિપક્ષને શું સમસ્યા છે?..”, કેન્દ્ર સરકારે નામ બદલવાની વાતને અફવા ગણાવી
નવીદિલ્હીઃ દેશનું નામ ભારત હોવું જાઈએ કે ઇન્ડિયા હોવું જાઈએ તે અંગે ચર્ચાઓ, દલીલો અને પ્રતીકોની રાજનીતિ શરૂ થઇ ગઇ છે. આ વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે નામ બદલવાની બાબતને માત્ર અફવા ગણાવી છે, જ્યારે ભાજપે વિપક્ષને પ્રશ્ન પૂછ્યો હતો કે નામ બદલવાથી તેમને શું સમસ્યા છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ૮થી ૧૦ સપ્ટેમ્બર વચ્ચે યોજાનારી જી૨૦ બેઠક દરમિયાન ૯ સપ્ટેમ્બરે દેશના મહાનુભાવોને આમંત્રણ પત્રિકા મોકલી છે. આ આમંત્રણ પત્રિકામાં પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું હતું. આ પછી વિપક્ષે આ નામને લઈને સરકાર પર રાજકીય તીર છોડવાનું શરૂ કર્યું. આ બધાની વચ્ચે વિદેશ મંત્રાલયે પણ વડાપ્રધાન મોદીના ઇન્ડોનેશિયાના પ્રવાસ પર પ્રાઇમ મિનિસ્ટર ઓફ ભારત લખ્યું હતું.
આ દરમિયાન કેન્દ્રીય કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુરે કહી દીધી સ્પષ્ટ વાત કે, “નામ બદલવાની વાત માત્ર અફવા છે, સંસદના વિશેષ સત્રમાં આવું કંઈ થવાનું નથી. હું ભારત સરકારમાં મંત્રી છું અને જી૨૦ના લોગોમાં ઇન્ડિયા અને ભારત બંને લખાય છે, તો પછી કેમ બિનજરૂરી અફવાઓ ફેલાવવામાં આવે છે. આવી અફવાઓ કોણ ફેલાવે છે?..” તેમણે કહ્યું હતું, ‘આખરે ભારત શબ્દથી કોઈને શું સમસ્યા હોઇ શકે છે? ભારત શબ્દથી કોઇને શું સમસ્યા છે? આ તેમની માનસિકતા દર્શાવે છે, તેમને ભારતને લઇને વિરોધ છે કદાચ એટલે જ જ્યારે તેઓ વિદેશ જાય છે ત્યારે ત્યાં ભારતની ટીકા કરે છે.
શા માટે સંસદના વિશેષ સત્રને લઈને ડરી રહ્યા છે વિરોધ પક્ષો?.. જે જણાવીએ, જી૨૦ સમિટ સમાપ્ત થયા પછી સરકારે ૧૮થી ૨૩ સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સરકારે હજુ સુધી આ સત્રનો એજન્ડા જાહેર કર્યો નથી, જેના કારણે વિરોધ પક્ષોમાં આશંકા છે. ક્યારેક વિપક્ષી પાર્ટીઓ અનુમાન લગાવી રહી છે કે સરકાર યુસીસી લાવી શકે છે તો ક્યારેક તેઓ કહી રહ્યા છે કે સરકાર બંધારણમાં સુધારો કરીને ઇન્ડિયાના બદલે ભારત કરી શકે છે.