હવાઈના જંગલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 53 થયો
લોસ એન્જલસ: યુએસના હવાઈમાં માયુ ટાપુ પર લાગેલી ભીષણ આગમાં મૃત્યુઆંક વધીને 53 થઈ ગયો છે. ગુરુવારે, માઉ કાઉન્ટીની સત્તાવાર વેબસાઇટે લખ્યું, “અગ્નિશામક દળ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરી રહ્યું છે, લાહિનામાં સક્રિય આગ વચ્ચે આજે વધુ 17ના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે.” આ સાથે આગમાં મૃત્યુઆંક વધીને 53 થઈ ગયો છે.
આ પહેલા આગલા દિવસે આગમાં મૃતકોની સંખ્યા 36 હોવાનું જણાવાયું હતુ. હરિકેન ડોરાના જોરદાર પવનોને કારણે વ્યાપકપણે જંગલમાં આગ લાગી હોવાનું માનવામાં આવે છે, જેના કારણે માયુ ટાપુ પરના પર્યટન સ્થળ, લાહિનાનો ભાગ નાશ પામ્યો છે. અધિકારીઓએ મૃતકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે.
કાઉન્ટીના અધિકારીઓએ આ પહેલાની યાદીમાં જણાવ્યું હતું કે આગને કારણે લાહિના શહેરમાં વ્યાપક નુકસાન થયું હતું. તેમણે કહ્યું કે આજે સવારે જંગલમાં લાગેલી 80 ટકા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. અગ્નિશમન વિભાગોએ લાહિના અને પુલેહુ અને અપકંટ્રી માયુમાં આગ કાબૂમાં હોવાની જાણકારી આપી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ગુરુવારે સવારે હવાઈના જંગલમાં લાગેલી આગને આપદા જાહેર કરી છે. હવાઈના ગવર્નર જોશ ગ્રીન નુકસાનનું સર્વેક્ષણ કરવા માયુમાં છે. લાહિનામાં ઘટનાસ્થળે એક વિડિયો ભાષણમાં, ગ્રીને જણાવ્યું હતું કે ‘હજારથી વધુ ઇમારતો’ નષ્ટ થવાની સંભાવના છે.