પાનોલી જીઆઈડીસીમાં આવેલી ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ, આગના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા
ભરૂચઃ જિલ્લાની પાનોલી જીઆઈડીસીમાં આવેલી એક ફાર્મા કંપનીમાં ગઈકાલે રાત્રિના સમયે બ્લાસ્ટ થવાથી દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. છેલ્લી માહિતી મળ્યા સુધી આ ઘટનામાં કોઇ જાનહાનિ થવા પામી ન હતી.
અંકલેશ્વરની પનોલી GIDCમાં આવેલી ઋતુ ફાર્મા કંપનીમાં મોડીરાત્રે ધડાકા સાથે ભીષણ આગ લાગતાં કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ અંકલેશ્વરના ફાયર ફાઇટરોને કરવામાં આવતાં ફાયર ટેન્કરો લાશ્કરો સાથે દોડી આવીને આગ પર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા. સૂત્રો દ્વારા મળતી વિગત પ્રમાણે ઋતુ ફાર્મા કંપનીમાં લાગેલી આગ બ્લાસ્ટ બાદ લાગી હતી. કંપની પરિસરમાં આવેલા ટ્રાન્સફોર્મરમાં અગમ્ય કારણોસર સ્પાર્ક થવાથી બ્લાસ્ટ થતા આગની ઘટના બનવા પામી હતી.
અંકલેશ્વરમાં આવેલા ઔધોગિક એકમોમાં છાશવારે આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે, તેવામાં ગતરોજ રાત્રીના સમયે વધુ એક આગ લાગવાની ઘટના બની હતી. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી ઋતુ ફાર્મા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. બ્લાસ્ટના કારણે લાગેલી આગ એટલી વિકરાળ હતી કે આગના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળતા હતાં.
આગની ઘટના બનતા જ લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. આ સમયે વધુ એક બલાસ્ટ થતાં જ ત્યાં રહેલા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. કંપનીમાં લાગેલી આગની ઘટના અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગમાં કરવામાં આવતા અંકલેશ્વર, પાનોલી સહિત 10 ફાયર બ્રીગેડના લાશ્કરોએ તાત્કાલિક ફાયર વ્હિકલ્સ લઇ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લાશ્કરોએ ભારે જહેમત આગની જ્વાળાઓ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાની કાવાયત હાથ ધરી હતી. ઘટના બનતા જ જીપીસીબી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે સદનસીબે આગમાં કોઈ જાન હાનિ નહિં નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
https://www.instagram.com/p/Cvoms9yt03f/