રાજસ્થાન હોસ્પિટલમાં ભીષણ આગ, ૨૦ થી વધુ એમ્બ્યુલન્સની મદદથી દર્દીઓને ઓસવાલ ભવન અને આનંદ હૉસ્પિટલમાં શિફ્ટ કરાયા
ગુજરાતની હોસ્પિટલોમાં આગ લાગવી જેમ કોઈ ક્રમ બની ગયો છે. આ પહેલા પણ આવા અનેક બનાવો બન્યા છે. ત્યારે આજે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હૉસ્પિટલમાં વહેલી સવારે ચાર વાગ્યે આગ લાગતા અફરાતફરી મચી ગઈ. હૉસ્પિટલના બેઝમેન્ટ ૨માં આગ લાગી હતી. જ્યાં હૉસ્પિટલનો ટાયર, ફર્નિચર સહિતનો ભંગાર રાખવામાં આવ્યો હતો. આગ લાગતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો. ચાર કલાકની જહેમત બાદ આગ બુઝાવવામાં સફળતા મળી હતી. આગ લાગતા તકેદારીના ભાગરૂપે દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યા હતા. દર્દીઓને ઓસવાલ ભવન અને આનંદ હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. બેઝમેન્ટમાં રહેલા ભંગારના કારણે ધુમાડો વધુ થતા ફાયર બ્રિગેડે આગ બુઝાવવા અત્યાધુનિક સાધનોની મદદ લીધી. હૉસ્પિટલમાં આગની ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, જો આ આગની ઘટના પાછળ કોઈની બેદરાકરી હશે તો પગલાં લેવામાં આવશે. અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં ભયંકર આગને પગલે ફાયર વિભાગે મેજર બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. તો ગૃહમંત્રી અમિત શાહે દુર્ઘટનાની જાણકારી મેળવી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી દુર્ઘટનાની જાણકારી મેળવી હતી. રાજસ્થાન હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા નજીકમાં આવેલી જયપ્રેમ સોસાયટીના ૩૬ ઘર ખાલી કરાવાયા છે. જેથી રહેવાસીઓને કોઈ અસર ન થાય. રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટ-૨માં આગ લાગી હતી, આગના કારણે બેઝમેન્ટમાં ધુમાડો એટલી હદે વધ્યો કે તેને કાબૂમાં લેવામાં ફાયર વિભાગના જવાનો પણ હાંફી ગયા હતા. હોસ્પિટલના ટ્રસ્ટીએ માહિતી આપી કે, હોસ્પિટલમાંથી તમામ દર્દીઓને શિફ્ટ કરાયા છે. ફાયર વિભાગને વહેલી સવારે ૪ વાગ્યે કોલ મળ્યો હતો. બેઝમેન્ટ-૨ માં આગ લાગતા ધુમાડો બેઝમેન્ટ-૧ સુધી પહોંચ્યો હતો. ધુમાડો દૂર કરવા ચક્રવાત-બ્લોવર મશીનની મદદ લેવાઈ હતી. તો ઓક્સિજનના બાટલા, મીની ફાયર રોબોટ કામે લાગ્યા હતા.
ઓક્સિજન સાધન સાથે ફાયરના કર્મચારીઓ આગ બૂઝવવામાં લાગ્યા હતા. ધુમાડો દૂર કરવા સમોક વેન્ટીલેશન મશીનની મદદ લેવાઈ હતી. કોલ મળતા જ ફાયર વિભાગની ૨૯ ગાડીઓ, ૧૦૦ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ૨૦ થી વધુ એમ્બ્યુલન્સની મદદથી દર્દીઓને શિફ્ટ કરાયા હતા. આગ ગઈ ત્યારે રાજસ્થાન હોસ્પિટલમાં કુલ ૧૦૬ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. ૪ દર્દીઓ જે ક્રિટિકલ હતા તેમને સામેની આનંદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ૪ ક્રિટિકલ દર્દીઓને બાપ્સ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. એક ક્રિટિકલ દર્દીને ઓસ્વાલમાં પણ સારવાર આપવામાં આવી રહી છે. કુલ ૨ લાખ ૬૦ હજાર લીટર પાણીનો મારો ચલાવી આગ બૂઝવવામાં આવી હતી. આગ બૂઝવવામાં લગભગ ૫ કલાક જેટલો સમય લાગ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર,બેઝમેન્ટમાં એક ગાડીમાં બ્લાસ્ટ થયો. બેઝમેન્ટમાં મૂકાયેલી ગાડીઓ પણ આગની ઝપેટમાં આવી હતી. બેઝમેન્ટમાં ફોર વહીલર અને ટુ વહીલર ગાડીઓ પાર્ક કરાયેલી હતી.
એક દર્દીએ કહ્યું કે, મારા દીકરાની વહુ આ હોસ્પિટલમાં એડમિટ હતી. અમને સવારે લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ પાર્કિંગમાંથી અમારી ગાડી હટાવી લેવા કહેવાયુ હતું. અમે જઈને જોયુ તો ચારેતરફ ધુમાડો હતો. અંદર કંઈપણ વસ્તુ દેખાતી નથી તેમજ ફાયર બ્રિગેડના જવાનો ઓક્સિજન માસ્ક સાથે પણ ૧૦ મિનિટથી વધારે અંદર રહી શકતા નથી. ચક્રવાત મશીનની મદદથી હાલ ધૂમાડો બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. રાજસ્થાન હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાને જોવા માટે લોકોના ટોળેટોળા પણ હોસ્પિટલની બહાર ઉમટ્યા હતા. પોલીસે તેઓને બહાર ખસેડવામાં આવ્યા હતા. રાહતના સમાચાર એ છે કે, આગ બેઝમેન્ટમાં લાગી હોવાથી કોઇ જાનહાનિ થઈ નથી. પરંતુ ધૂમાડો વધુ હોવાથી ફાયર વિભાગ બેઝમેન્ટમાં ઓક્સિજન માસ્ક સાથે પણ ૧૦ મિનિટથી વધારે અંદર રહી શકતા નથી. જેના કારણે આગ પર કાબૂ મેળવવામાં મૂશ્કેલી પડી હતી. આગમાં ધુમાડો વધુ ફેલાયો તેનું મોટું કારણ ફાયર લોડ છે.
વાહનો, ટેબલ, ફર્નિચરનો સ્ક્રેપ એટલો વધુ હતો કે ફાયર જવાનો અંદર જઈ શક્યા ન હતા. સ્ક્રેપના કારણે આગ વધુ ઝડપથી ફેલાતી હોય છે. હાઇકોર્ટની ફટકારો બાદ હોસ્પિટલોએ શું ધ્યાન રાખ્યું. ફાયર સ્પ્રીંક્લર બેઝમેન્ટમાં છે, જે ૬૮ ડિગ્રી તાપમાને જાતે એક્ટિવેટ થઇ પાણીનો છંટકાવ કરે છે. પણ તેને સ્ટાર્ટ થવામાં સમય લાગ્યો હોવાનો અંદાજ જેના કારણે આગ વધી ફેલાઈ અને ધુમાડો વધી ગયો તેવું પણ અનુમાન છે.