વેજલપુરમાં આગ ૩૦ ઝૂંપડાં બળીને ખાક, ૨૫ જેટલા પરિવારો બેઘર બન્યા
સાહેબ, હવે શું કરીશું, અમે તો નિરાધાર થઈ ગયા. અમારી બધી મિલકતો અને સામાન બળી ગયો. અમારા દાગીના અને રૂપિયા બળી ગયા. સાહેબ, હવે શું કરવું. મારા છોકરાના હજી હમણાં લગ્ન થયા છે, સોનાના દોરા નથી મળતા… આ શબ્દો છે શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા સૂર્યનગર વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં આગમાં ઘરવખરી અને લાખો રૂપિયા ગુમાવનાર શારદાબેન પુરબિયાના.
મંગળવારે સવારે લાગેલી આગમાં ૩૦થી વધુ ઝૂંપડાં બળી ગયાં છે, જેમાં શારદાબેન પુરબિયાનું પણ આખું ઝૂંપડું બળીને ખાક થઈ ગયું છે. સવારે જ્યારે આગ લાગી ત્યારે મોટા ભાગના લોકો કામ પર ગયા હતા. આગમાં એકપણ વસ્તુ લોકોની બચી નથી અને હવે પહેરેલાં કપડે જ તેમને રહેવાના દિવસો આવી ગયા છે. અનેક લોકોએ મહેનતથી બનાવેલી પોતાની મિલકતો બળી જતાં રોવા લાગ્યા હતા. રડમસ થઈ લોકો પોતાની મિલકતો ગુમાવી હોવાનુંજણાવ્યું હતું કે અમારું બધું બળી ગયું.
તાજેતરમાં જ વાવઝોડાની અસરથી ફૂંકાયેલા જાેરદાર પવનને કારણે શહેરમાં અનેક ગરીબ લોકોનાં ઝૂંપડાં તૂટી ગયાં હતાં અને બેઘર બની ગયા હતા. આજે સવારે આનંદનગર રોડ પર ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગમાં ૩૦થી વધુ ઝૂંપડાં બળીને ખાક થઈ ગયાં છે. ૨૫ જેટલા પરિવારો હવે બેઘર બની ગયા છે. તેમની એકપણ મિલકત સલામત રહી નથી.
આગમાં પોતાનું ઘર અને મિલકત ગુમાવનાર ઈશ્વરભાઈ પુરબિયાએ જણાવ્યું હતું કે મારા ત્રણ લાખ રૂપિયા, દાગીના, એલસીડી ટીવી, ફિજ બધી મિલકતો બળીને ખાક થઇ ગઇ છે. શારદાબેને જણાવ્યું હતું કે મારા દાગીનાઓ બળી ગયા, રૂપિયા બળી ગયા. અમે ગામડે હતા અને ફોન કર્યો ત્યારે દોડાદોડ આવ્યા. ઘરના પુરાવા પણ બળી ગયા. અમે નિરાધાર થઈ ગયા.
બાલુબેને વાતચીતમાં જણાવ્યું હતું કે સવારે અમે તો કામ પર ગયા હતા. મારા દીકરાએ ફોન કરી જાણ કરી હતી. અમે આવ્યા ત્યારે અંદર જવાય એમ ન હતું. અમારું બધું બરબાદ થઈ ગયું. પાયમાલ થઇ ગયા. હવે પહેરેલાં કપડે જ અમે રહ્યા છીએ.
મંગળવારે સવારે શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા રેડિયોમિર્ચી ટાવર સામે આવેલાં ઝૂંપડાંમાં ભીષણ આગ લાગી હતી. શરૂઆતમાં ૧૨થી વધુ ઝૂંપડાંમાં આગ લાગતાં ફાયરબ્રિગેડની ૧૫ ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. એમ્બ્યુલન્સ અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા થોડીઘણી આગ કાબૂમાં આવી છે. આ દુર્ઘટનામાં ૩૦થી વધુ ઝૂંપડાં બળીને ખાક થઈ ગયાં છે.
ઝૂંપડપટ્ટીના આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા લોકોને દૂર કરવામાં આવી રહ્યા હતા. આગ વધુ ભીષણ લાગતાં વધુ ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી હતી. ઝૂંપડપટ્ટી ગીચ વિસ્તારમાં અને આસપાસમાં મકાનો આવેલાં હોવાથી આગને કાબૂમાં કરવામાં ફાયરબ્રિગેડને મુશ્કેલી પડતાં મકાનો પર ચડી ફાયરબ્રિગેડ પાણીનો મારો ચલાવી રહી હતી.