પાકિસ્તાનમાં ૬ની તીવ્રતાનો ભૂકંપમાં ૨૨નાં મોત, ૩૦૦ કરતાં વધુને ઈજા
પાકિસ્તાન છેલ્લા બે દશકામાં બે વખત મોટા ભૂકંપનો ભોગ બન્યું છે. ૨૦૦૫માં ૭.૬ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો, જેમાં ૭૩ હજાર લોકો માર્યા ગયા હતા અને ૩૫ લાખ લોકો બેઘર બની ગયા હતા. એ પછી ૨૦૧૫માં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ૭.૫ની તીવ્રતાનો ભૂકંપ આપ્યો હતો, જેમાં ૪૦૦ લોકોનાં મોત થયા હતા.પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપ ત્રાટક્યો હતો. ૧૦૦ જેટલી ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી. છ બાળકો સહિત ૨૨ લોકોનાં મોત થયા હતા અને ૩૦૦ કરતાં વધુ લોકોને ઈજા પહોંચી હતી. પાકિસ્તાન ડિઝાસ્ટર મેનેજમેન્ટના કહેવા પ્રમાણે મૃત્યુ આંક હજુ પણ વધે તેવી શક્યતા છે. પાકિસ્તાનમાં ૫.૯ રિક્ટર સ્કેલનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. બલુચિસ્તાનના હરનાઈમાં એપીસેન્ટર નોંધાયું હતું.
હરનાઈ નજીક ભૂગર્ભમાં ૧૫ કિલોમીટર એપીસેન્ટર નોંધાયું હોવાનું ઈસ્લામાબાદ સ્થિત પાકિસ્તાનના નેશનલ સિસ્મિક મોનિટરિંગ સેન્ટરે કહ્યું હતું. હરનાઈ ઉપરાંત ક્વેટા, સિબિ, પિશિન, ક્વિલા સૈફુલ્લા, ચારમાન, ઝિયારત, ઝુબ જેવા વિસ્તારોમાં ભૂકંપનો અનુભવ થયો હતો. સૌથી વધુ નુકસાન ઉત્તર-પૂર્વમાં આવેલા હરનાઈમાં થયું હતું. અમેરિકન જિયોલોજિકલ સર્વેના કહેવા પ્રમાણે ૬ની તીવ્રતાથી ભૂકંપ ત્રાટક્યો હતો. હરનાઈના ડેપ્યુટી કમિશ્નરે તાત્કાલિક જિલ્લામાં કુદરતી કટોકટી જાહેર કરી હતી. ડિઝાસ્ટર મેનેજર ઓથોરિટીના કહેવા પ્રમાણે મૃતકોમાં મહિલાઓ અને બાળકોનું પ્રમાણ વધુ છે. ભૂકંપ પછીના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
ભૂકંપ પછી પણ આફટર શોક આવ્યા હતા, જેના કારણે લોકો ભયભીત બન્યા હતા. ભૂકંપ પછી લોકો ઘરમાં પ્રવેશવા માગતા ન હોવાથી પ્રાંતના અનેક શહેરોમાં લોકો શેરીઓમાં કલાકો સુધી બેસી રહ્યા હતા. સરકારી અધિકારીઓના કહેવા પ્રમાણે ભૂકંપ પછી હરનાઈ સહિતના શહેરોમાં વીજ પૂરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. આફ્ટર શોકના કારણે વીજ પૂરવઠો કલાકો સુધી ખોરવાયેલો રહ્યો હતો. મોબાઈલ નેટવર્ક ઠપ થઈ જતાં મોબાઈલ ફોન સર્વિસ પણ પ્રભાવિત થઈ હતી. અસંખ્ય લોકો બેઘર બની ગયા હોવાથી તેમને આશ્રયગૃહોમાં ખસેડવામાં આવ્યા હતા. જે ઈમારતો ધ્વસ્ત થઈ છે એનો કાટમાળ હટાવવાની પ્રક્રિયા શરૃ કરવામાં આવી હતી અને રાહત કામગીરી શરૃ થઈ હતી. બલુચિસ્તાનમાં આર્મીની ટૂકડીને સહાય માટે મોકલવામાં આવી હતી.