નવા સંસદભવનમાં ૧૯ દિવસનું શિયાળુ સત્ર ૪ ડિસેમ્બરથી શરૂ થશે
નવીદિલ્હીઃ સંસદના શિયાળુ સત્રની જાહેરાત કરવામાં આવી છે. સંસદનું શિયાળુ સત્ર ૪ ડિસેમ્બરથી શરૂ થશે અને ૨૨ ડિસેમ્બર સુધી ચાલશે. તેની જાહેરાત સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ કરી છે. તેમને કહ્યું કે શિયાળુ સત્ર નવી સંસદમાં આયોજિત કરવામાં આવશે અને ૧૯ દિવસમાં ૧૫ બેઠકો યોજાશે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે શિયાળુ સત્ર નવી સંસદમાં આયોજિત કરવામાં આવશે. અમૃતકાળની વચ્ચે સત્ર દરમિયાન કાયદાકીય કાર્ય અને અન્ય વિષયો પર ચર્ચાની આશા છે.
ભારતીય દંડ સંહિતા, સીઆરપીસી અને સાક્ષી અધિનિયમમાં ફેરફરા કરનારા ૩ મુખ્ય બિલો પર શિયાળુ સત્ર દરમિયાન વિચાર કરવાની સંભાવના છે, કારણ કે ગૃહ મામલાની સ્થાયી સમિતિએ તાજેતરમાં જ ૩ રિપોર્ટને સ્વીકાર્યા છે. સંસદમાં પેન્ડિંગ અન્ય એક બિલ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક સાથે સંબંધિત છે. શિયાળુ સત્ર નાતાલ પહેલા પૂર્ણ થઈ જશે અને આ વર્ષનું છેલ્લુ સંસદીય સત્ર હશે.
આ પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી એનડીએ સરકારે સપ્ટેમ્બર મહિનામાં સંસદનું ૫ દિવસનું વિશેષ સત્ર બોલાવ્યુ હતું. વિશેષ સત્ર નવા સંસદ ભવનમાં આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં સરકારે જુના સંસદ ભવનના ૭૫ વર્ષના ઈતિહાસ પર ચર્ચા કરી હતી. પ્રતિષ્ઠિત સંરચનાના ઈતિહાસને સંરક્ષિત કરવા માટે જુની બિલ્ડીંગના એક ભાગને સંગ્રહાલયમાં ફેરવી દેવામાં આવશે.
૫ દિવસના વિશેષ સત્રમાં સંસદના બંને ગૃહમાંથી ઐતિહાસિક મહિલા અનામત બિલ પણ પાસ કરવામાં આવ્યું હતું. બિલમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપવાની જોગવાઈ છે. આ મુદ્દા પર કોંગ્રેસે પણ સરકારનું સમર્થન કર્યુ હતું. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ ૨૦૨૯ સુધી લાગૂ કરવામાં આવી શકે છે, જેની પર વિપક્ષે વાંધો ઉઠાવ્યો હતો.