ફૂડ વિભાગની દહેગામની ડેરીમાંથી ૧૪૦૦ કિલો જેટલો શંકાસ્પદ દૂધ ક્રીમનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી
અમદાવાદઃ તહેવારોની સીઝન ચાલી રહી છે. ત્યારે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અખાદ્ય સામગ્રીઓના મોટાપાયે થતા વેચાણ પર સપાટો બોલાવવામાં આવ્યો છે. ગાંધીનગરના દહેગામમાં લુહાર ચકલા વિસ્તારમાં આવેલી જલારામ ડેરી ખાતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડ્યા હતા. આ ડેરીમાંથી ૧૪૦૦ કિલો શંકાસ્પદ દૂધ ક્રીમનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
રાજ્યના ફૂડ વિભાગે બાતમીના આધારે દહેગામમાં ખાનગી ડેરીમાં દરોડા પાડ્યા હતા અને મોટી માત્રામાં દૂધ ક્રીમનો જથ્થો જપ્ત કર્યો હતો. આ જથ્થો અમદાવાદના કુબેરનગરની દ્વારકેશ ડેરી પ્રોડક્ટના માલિક બુધાભાઈ બારોટનો હોવાનું સામે આવ્યું છે. તેમના ઘરે સમારકામ ચાલતુ હોવાથી દહેગામ ખાતે મિત્રની ડેરીમાં સંગ્રહ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ દૂધ ક્રીમના નમૂના તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.