૧૪ મિત્રોએ ઓક્સિજન બેન્ક સ્થાપિત કરીને ૫૦થી વધુના જીવ બચાવ્યા
કોરોના મહામારી વચ્ચે માનવતાનો ધર્મ મોખરે આવી ગયો છે. મુંબઈમાં ૧૪ મિત્રોની ટીમે ઓક્સિજન ટેન્ક બનાવીને ૫૦થી વધુ લોકોના જીવ બચાવ્યા હતા. તો બીજી બાજુ ૨૦ લોકોની ટીમ અત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓના ઘરે સવાર-સાંજ બે ટાઈમનું ભોજન પહોંચાડી રહી છે.
ઑટોમોટિવ સેક્ટરમાં કાર્યરત ૫૨ વર્ષીય રંજન પૉલનું ઓક્સિજન લેવલ ૧૪ એપ્રિલના રોજ ૯૪થી ઘટવા આવ્યું હતું. એક કલાકમાં તે ઘટીને ૭૭ થઈ ગયું હતું. પરિવારજનોને લાગ્યું કે આમને નહીં બચાવી શકાય. તેઓએ મહારાષ્ટ્ર-ઉડિયા વેલફેર એસોસિએશનના ટ્રસ્ટિઓમાંથી એક મનોજ કુમારને ફોન લગાવ્યો હતો.
તેઓએ કોરોના હેલ્થ ગ્રુપ એસોસિએશન અને વર્લ્ડ એગ્રોફેર ફાઉન્ડેશન સાથે સંપર્ક સાધ્યો હતો. આ અંગે તેઓને વ્હોટ્સએપમાં જાણકારી પ્રાપ્ત થઈ હતી. મનોજની ઓળખાણમાં રશ્મીકાંત મહાપાત્રા પણ આમાં જોડાયા હતા. એમની મદદથી રંજનને ઓક્સિજનની સેવા પૂરી પાડવામાં આવી હતી.
ઓક્સિજન પર રાખીને એમના માટે હોસ્પિટલમાં બેડની સેવા ઉપલબ્ધ કરાવવાની કોશિશ હાથ ધરાઈ હતી. આ દરમિયાન તેમનું ઓક્સિજન લેવલ ૯૨-૯૩ થઈ ગયું હતું અને એમનો જીવ બચી ગયો હતો.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, પ્રોપર્ટી ડીલરો અને અન્ય વ્યવસાયો સાથે સંકળાયેલા ૧૪ મિત્રોએ ઓક્સિજન બેંકની શરૂઆત કરી છે. કેટલાકે ૨૦ અને કેટલાકે ૨૫ લાખ રૂપિયા આપ્યા હતા. રશ્મીકાંત મહાપત્રાએ કહ્યું હતું કે કોરોનાની બીજી વેવ દરમિયાન, અમારા જૂથના સભ્યનું સમયસર ઓક્સિજનના અભાવને કારણે મૃત્યુ થયું હતું. આ ઘટના પછી, અમે મિત્રોએ ઓક્સિજન બેન્ક બનાવવાનું નક્કી કર્યું હતું.
મહાપાત્રાએ જણાવ્યું હતું કે અમે ૨૦૦થી વધુ દર્દીઓને ફ્રીમાં અથવા નજીવા દરે ઓક્સિજનના સિલિન્ડર આપ્યા હતા. અમારી પાસે અત્યારે ૧૦૦ પોર્ટેબલ ઓક્સિજન સિલિન્ડર પણ રહેલા છે, જે કોવિડના ગંભીર દર્દીઓને અમે આપી રહ્યા છીએ. અત્યારે એડવાન્સમાં ૨૦૦ યૂનિટ ઓક્સિજનનો ઓર્ડર અપાઈ ચૂક્યો છે. ઓક્સિજન બેન્ક સાથે સંકળાયેલા સુરેન્દ્રસિંહ અને અમિત તેનાનીએ જણાવ્યું હતું કે આ ભગવાનનું કાર્ય છે, આમાં જોડાવવાની તક ભાગ્યેજ કોઈકને મળે છે.