ભારત રસાયણ લિમિટેડને NGT દ્વારા 13.50 કરોડનો દંડ ફટકારાયો

  • ઔદ્યોગિક અકસ્માતોથી થતા પર્યાવરણને નુક્શાનના સંબંધમાં એનજીટીએ 29 મેના રોજ ઐતિહાસિક ચૂકાદો આપ્યો
  • અરજદાર અને વરિષ્ઠ પત્રકાર આદિત્યસિંહ ચૌહાનના વકીલ એ કે સિંહે આ કેસ સંબંધિત જટિલ નિયમનકારી માળખાને સમજવા અને સમજાવવામાં અત્યંત મહેનત કરવા બદલ ટ્રિબ્યૂનલની પ્રશંસા મેળવી

અમદાવાદઃ ઔદ્યોગિક એકમોમાં થતા અકસ્માતોની ઘટના અનેક લોકો માટે જીવલેણ બની રહેતી હોય છે. આ સાથે આવા ઔદ્યોગિક અકસ્માતોના કારણે ઉદભવતી સ્થિતિ પર્યાવરણીય દ્રષ્ટિએ અત્યંત ગંભીર સાબિત થતી હોય છે, જે મુદ્દાને મોટા ભાગે હાંસિયામાં ધકેલી દેવામાં આવતો હોય છે. આ દિશમાં માનનીય નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ દ્વારા ભરૂચ સ્થિત કંપનીને પર્યાવરણને નુક્શાન બદલ દંડ ફટકારી 29 મે, 2024ના રોજ મહત્વપૂર્ણ અને ઉદાહરણીય  ચૂકાદો આપવામાં આવ્યો છે.

પર્યાવરણને પહોંચેલા નુક્શાન બદલ ફટકારાયો દંડ

અમદાવાદ સ્થિત પર્યાવરણીય કાર્યો સાથે સંકળાયેલા વરિષ્ઠ પત્રકાર આદિત્યસિંહ ચૌહાન દ્વારા એનજીટીમાં કરવામાં આવેલી એક અરજીના સંદર્ભમાં આ મહત્વપૂર્ણ ચૂકાદો આપવામાં આવ્યો છે. જેમાં ભરૂચ સ્થિત ભારત રસાયણ લિમિટેડમાં વર્ષ 2022માં ઘટેલા અકસ્માતથી પર્યાવરણને પહોંચેલાFinr  નુક્શાન બદલ રૂ.13.50 કરોડ દંડ ફટકારવામાં આવ્યો છે.

ઔદ્યોગિક અકસ્માતમાં થતી પર્યાવરણની ક્ષતિનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો

અરજદાર દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ સમક્ષ ઔદ્યોગિક અકસ્માતોને કારણે ઉદ્ભવતી પર્યાવરણની ક્ષતિનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જે વિશે વાત કરીએ તો ભરૂચ સ્થિત મેસર્સ ભારત રસાયણ લિમિટેડના પ્લાન્ટ-ડીમાં તારીખ 17 મે, 2022ના રોજ બપોરના સમયે સાયપરમેથ્રિક એસિડ ક્લોરાઇડના ઉત્પાદન દરમિયાન રિએક્ટરમાં ખામીને કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતથી પર્યાવરણીય નુકસાનની સાથેસાથે સલામતીના અભાવને જોવા મળ્યો હતો. આ બ્લાસ્ટને પગલે સ્ટોરેજ ટેન્કોમાં આગ લાગી હતી, જેના કારણે હવામાં હાનિકારક કેમિકલ્સ રિલીઝ થયા હતા અને ફાયર ટેન્ડરોએ આગને કાબૂમાં લેવા માટે પાણીનો છંટકાવ કર્યો હતો, તેથી હાનિકારક અને ઝેરી રસાયણ ધરાવતી આગને ઓલવવા માટે વપરાયેલા પાણીને કારણે આસપાસના વિસ્તારોમાં હવા, જમીન અને પાણીનું પ્રદૂષણ પણ થયું હતું. આ ઘટનાની જાણ જાણીતા અખબારમાં પ્રકાશિત કરવામાં આવી હતી. આ જીવલેણ અકસ્માત 8 વ્યક્તિનો મોત અને આશરે 29 જેટલા લોકોને ઈજાઓ પહોંચાડવાનું કારણ બન્યો હતો.

File Photo

અરજદારના વકીલ એ કે સિંહે ટ્રિબ્યૂનલ તરફથી પ્રશંસા મેળવીઆ ચૂકાદો અહીં એટલા માટે મહત્પૂર્ણ અને ઐતિહાસિક ગણી શકાય કારણ કે તે અવારનવાર થતા આવા ઔદ્યોગિક અકસ્માતો સામે લડત લડી રહેલા લોકોને તેમની લડતમાં બળ પુરૂ પાડી શકે છે. આ સંદર્ભે એનજીટીએ અરજકર્તા આદિત્યસિંહ ચૌહાનના વકીલ શ્રી એ. કે. સિંહને તેમની સટીક રજૂઆત માટે બિરદાવતા જણાવ્યું હતુ કે ચૂકાદો આપતા પહેલા, અમે એડવોકેટ એ.કે. સિંહે કરેલા પ્રયાસોની અમે પ્રશંસા કરીએ છીએ, જેમણે જટિલ નિયમનકારી માળખાને સમજવા અને સમજાવવામાં અત્યંત મહેનત કરી છે.

2 વર્ષની લડત બાદ ઐતિહાસિક ચૂકાદોઆ ચૂકાદો એટલા માટે મહત્વપૂર્ણ છે કે ન માત્ર ગુજરાતમાં, પરંતુ ભારતમાં રાસાયણિક એકમોમાં અકસ્માતની વધતી જતી ઘટનાઓને જોતાં, સરકાર/વૈધાનિક સંસ્થાઓએ સાથે મળીને આ માળખા પર કામ કરવાની જરૂરિયાત છે, જેથી આવી જીવલેણ ઔદ્યોગિક ઘટનાઓને અટકાવી શકાય. આ જ અનુસંધાનમાં આદિત્યસિંહ ચૌહાન દ્વારા આ અરજી કરવામાં આવી હતી, જેથી કોઈક મજબૂત ચુકાદાના પરિણામે આવી ઘટનામાં પીડિતોને યોગ્ય ન્યાય મળી શકે અને પર્યાવરણ નુક્શાનના મુદ્દાને ઉઠાવી શકાય. આ કેસની ટાઇમલાઇનની વાત કરીએ તો ઉદ્યોગને લગતા વિવિધ સંબંધિત કાયદાઓ પર શ્રેણીબદ્ધ તકનીકી ચર્ચા સાથેની આશરે 2 વર્ષની લડત બાદ, માનનીય નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ દ્વારા સીમાચિહ્નરૂપ ચુકાદો આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત, મૃતક અને ઇજાગ્રસ્ત વ્યક્તિને પર્યાપ્ત વળતર ચૂકવવા માટે  અદાલતે સર્વોચ્ચ અદાલતના વિવિધ ચુકાદાઓ અને વિવિધ સંચાલિત શ્રમ કાયદાઓ તેમજ વર્તમાન પરિબળો સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને મૃતક તેમજ ઇજાગ્રસ્તો માટે વળતરની રકમમાં સુધારો કરેલ છે.

મહત્વની બાબતોની કાળજી લેવામાં યુનિટ બેદરકાર

માનનીય નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ દ્વારા બે વર્ષના વિચાર-વિમર્શ બાદ જે તારણો આપ્યા છે, તેના પર નજર કરીએ તો મોટાભાગના જરૂરી સલામતી પગલાં ઘટના પછીના છે. યુનિટે MSIHC નિયમો-1989નું પાલન કરવાનું હોય છે અને તે મુજબ સ્થળ પર ઉત્પાદિત થતા તમામ 61 જોખમી રસાયણો માટે HAZOP સ્ટડી હાથ ધરવાની હોય છે, પરંતુ લાંબી પ્રક્રિયાને કારણે એકમે માત્ર 22 જોખમી રસાયણોનું HAZOP સ્ટડી કર્યું છે અને બાકીના જોખમી રસાયણ HAZOP સ્ટડી વિના બનાવવામાં આવે છે. યુનિટને 92 જોખમી રસાયણો સુધી વિસ્તરણ માટે ઇસી પણ મળી ગયુ છે. બીજું કે, MSIHCના નિયમ 7 મુજબ આવા જોખમી રાસાયણિક એકમો માટે સાઇટ્સની મંજૂરીની જરૂરિયાત હોય છે. MSIHCના નિયમ 10(6), વર્ષમાં એકવાર સલામતી અહેવાલ રજૂ કરવો જોઈએ, પરંતુ આવા કોઈ અહેવાલ વર્ષ 2016થી 2022ની વચ્ચે હાથ ધરવામાં આવ્યા નથી અને અકસ્માત પછી જ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો, જેમાં સુધારણા માટે 102 નોન-કમ્પ્લાયંસ તરીકે ઓળખ કરવામાં આવી. અકસ્માત બાદ 21-12-2022ના રોજ હાથ ધરવામાં આવેલી મોક ડ્રીલનો રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બાબતો જણાવે છે કે જ્યાં સુધી અકસ્માત થાય નહીં ત્યાં સુધી મહત્વની બાબતોની કાળજી લેવામાં યુનિટ બેદરકાર રહ્યું છે.

જીપીસીબી દ્વારા પ્લાન્ટ બંધના આદેશને સિમિત કરાયો

રિએક્ટરમાં બ્લાસ્ટ બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે દ્વારા એકમની મુલાકાત લીધા બાદ એકમને તારીખ 31 મે, 2022ના રોજ બંધ કરવાનો નિર્દેશ જારી કર્યો હતો, જે નિર્દેશને બાદમાં તારીખ 29 જુન, 2022ના રોજ રદ કરી ફક્ત પ્લાન્ટ એ, બી અને સીને બાકાત રાખવામાં આવ્યો હતો, તેમ જ પ્લાન્ટ-ડીને  બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

વાર્ષિક ધોરણે સલામતી અહેવાલ અપડેટ કર્યાની ખાતરી કરવી જરૂરી

MSIHCના નિયમ 1989 મુજબ, ચોક્કસ ઉદ્યોગ સ્થાપવા માટે સાઇટની અનુદાન માટેની મંજૂરી સંબંધિત સત્તાધિકારી દ્વારા યોગ્ય આકારણી પછી જ આપવામાં આવે છે. ઔદ્યોગિક અકસ્માતો અને માનવ જીવન અને આસપાસની વસ્તી પર તેની અસરને ટાળવા માટે, સ્ટેટ પીસીબી માટે સીટીઈ મંજૂર કરતા પહેલા ફેક્ટરીના મુખ્ય નિરીક્ષકની મંજૂરીની ખાતરી કરવી ફરજિયાત રહેશે. રાજ્યોના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કે યુનિટે ડીઆઈએસએચને સલામતી અહેવાલ સબમિટ કર્યો છે કે નહી અને સીટીઓ જારી કરતા પહેલા અથવા તેનું નવીકરણ કરતા પહેલા તેને વાર્ષિક ધોરણે અપડેટ કરે છે કે નહીં તેની ખાતરી કરવાની રહેશે.

દંડ નક્કી કરવા માટેની પદ્ધતિને લઇ ઉદાહરણીય ચૂકાદો

એનજીટી સમક્ષ રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જણાવ્યું છે કે તેઓ પાસે ઇડીસીનું મૂલ્યાંકન કરી શકે તેવી કોઈ પદ્ધતિ ન હોવાથી એકમ પાસેથી ઉચ્ચક 1.5 કરોડ રૂપિયાની રકમ લેવામાં આવી હતી. માનનીય ટ્રિબ્યૂનલે આ મુદ્દાના અનુસંધાને  આગ ઓલવવા માટે પાણીનો જંગી ઉપયોગ કરવામાં આવ્યો હોવાની પર્યાવરણ પરની વિશાળ અસરને ધ્યાનમાં રાખી હતી. સર્વોચ્ચ અદાલતના અન્ય ચુકાદાની ટીપ્પણી કરતી વખતે, નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે અભિપ્રાય આપ્યો છે કે પ્રોજેક્ટ પ્રોપોનેન્ટ અકસ્માત માટે અને આ અકસ્માતને કારણે થયેલા પર્યાવરણીય નુકસાન માટે સંપૂર્ણ રીતે જવાબદાર છે. જેથી એકમના વાર્ષિક અહેવાલ મુજબ વર્ષ 2022-23માં આશરે 266.58 કરોડના એકમના નફાને ધ્યાનમાં લેતા, EBITDAના આશરે 5% એટલે કે ઇડીસીના 13.3 કરોડ દંડ ફટકારવામાં આવ્યો, જેથી ભવિષ્યમાં અન્ય ઉદ્યોગો પણ કાયદા હેઠળની તમામ સાવચેતીઓ અપનાવવામાં સાવચેત રહે. આ દંડ નક્કી કરવા માટે અપનાવામાં આવેલી પદ્ધતિ ભવિષ્યમાં આ પ્રકારે બનતા ઔદ્યોગિક અકસ્માતોના સંદર્ભે અપનાવી શકાય તેમ હોવાથી આ ચૂકાદો ઉદાહરણીય બન્યો છે.

કઇ સ્થિતિમાં જીપીસીબી સંપૂર્ણ એકમને બંધ કરવાનો કરી શકે છે નિર્દેશ

એનજીટીએ કેટલીક બાબતોને ધ્યાનમાં લઇ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ને ટાંકીને કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના પર નજર નાંખીએ તો, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા MSIHC નિયમો, 1989 હેઠળ આવરી લેવામાં આવેલા આઇસોલેટેડ સ્ટોરેજ(ઓ) અને ઉદ્યોગોના સંબંધમાં રસાયણોની સલામતી માટે સંકલિત માર્ગદર્શિકા ફ્રેમવર્કમાં સૂચવ્યા મુજબ, જીપીસીબી ઓનસાઇટ ઇમરજન્સી પ્લાન, સલામતી અહેવાલો અને CTE/CTO જારી કરતા પહેલા અથવા CTE/CTO રિન્યૂ કરતા પહેલા MSIHC નિયમો 1989 સાથે સંબંધિત સત્તાધિકારી દ્વારા મંજૂર સલામતી ઓડિટની ખાતરી કરશે. તેમજ જીપીસીબી ફ્રેમ વર્ક સેટ કરશે અને ઓર્ડર અપલોડ કર્યાના 1 મહિનાની અંદર ભવિષ્યમાં એકમોના કેસોમાં પાલન સુનિશ્ચિત કરવા માટેની પ્રક્રિયાનું વર્ણન કરશે.

આ ઉપરાંત, જીપીસીબીએ અખબાર અને જીપીસીબીની વેબસાઈટ દ્વારા ઉપરોક્ત આદેશનો વ્યાપક પ્રચાર કરવો અને આ ઓર્ડર અપલોડ કર્યાના એક મહિનાની અંદર વિવિધ માધ્યમો દ્વારા સંબંધિત એકમોને જાણ કરવાની રહેશે અને MSIHC નિયમો 1989 હેઠળ જરૂરી મંજૂરી સબમિટ કરવા માટે મહત્તમ ત્રણ મહિનાનો સમય આપવાનો રહેશે અને જો આવી રજૂઆત કરવામાં નિષ્ફળતા મળે તો મંજૂરી પછી જીપીસીબી સંપૂર્ણ એકમને બંધ કરવાનો દિશા નિર્દેશ કરશે.