છેલ્લા ૨ વર્ષમાં ૩૧૩ સિંહોના મોતનો ચોંકાવનારો આંકડો આવ્યો સામે

કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે વન વિભાગ પર ગંભીર આરોપ લગાવ્યા

ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં સિંહોની વસ્તી વધી હોવાના સરકારી દાવા વચ્ચે છેલ્લા ૨ વર્ષમાં ૩૧૩ સિંહોના મોતનો ચોંકાવનારો આંકડો પણ સામે આવ્યો છે. સરકારે વિધાનસભામાં કરેલા સ્વીકાર પ્રમાણે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૩૧૩ સિંહ, સિંહણ અને સિંહ બાળના મોત થયા છે. જેમાં વર્ષ ૨૦૧૯ માં ૩૫ સિંહ, ૪૮ સિંહણ અને ૭૧ સિંહ બાળના મોત થયા છે. તો વર્ષ ૨૦૨૦ માં ૩૬ સિંહ, ૪૨ સિંહણ અને ૮૧ સિંહ બાળના મોત થયા છે. જો કે આ ૩૧૩ મોતમાંથી કુદરતી રીતે ૨૯૦ સિંહ, સિંહણ અને સિંહબાળના મૃત્યુ નોંધાયા છે. અકુદરતી મૃત્યુના ૨૩ કિસ્સા નોંધાયા છે. જે ચિંતાનો વિષય છે. અકુદરતી મોત માટે અનેક કારણો રહ્યા છે, જે અંગે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે વન વિભાગ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે, ગીરમાં વસતા માલધારીઓ હવે પલાયન કરી રહ્યા છે.

જેના કારણે સિંહના કુદરતી ખોરાકમાં ઘટાડો થયો છે. વન વિભાગ આ સિંહોને ખોરાક માટે બહારથી મરેલા પશુઓ આપે છે. જેના કારણે સિંહોના મોતમાં વધારો થયાનો વિરજી ઠુમરે આક્ષેપ લગાવ્યો હતો. વિરજી ઠુમરે કહ્યું કે, એશિયાટિક સિંહો ગુજરાતનું ગૌરવ છે, ત્યારે આ અંગે સરકારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. જો કે કોંગ્રેસી ધારાસભ્યના આ આક્ષેપને વનમંત્રી ગણપતસિંહ વસાવાએ ફગાવ્યો હતો. તેમણે દાવો કર્યો કે, સરકારે સિંહોના સંરક્ષણ માટે અનેક પગલાં ભર્યા છે. જેના કારણે સિંહોની વસ્તીમાં વધારો થયો છે. ગુજરાત સરકારના ગંભીર પ્રયાસોના કારણે સિંહોની વસ્તી વધી છે.

સિંહોના અકુદરતી મૃત્યુ અટકાવવા સીસીટીવી કેમેરા, મોનીટરીંગ અને ટ્રેકર્સ સહિતના પગલાં લેવાયા છે. અકુદરતી મોત અટકાવવા સરકારે રેપિડ એક્શન ટીમ અને રેસ્ક્યુ ટીમની રચના કરી છે. ચેકિંગ નાકા પર સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. અસુરક્ષિત કુવાઓને પેરાપીટ વોલ થી સુરક્ષિત કરાયા છે. જેના કારણે અકુદરતી બનાવો ઘટ્યા છે. સરકારે કોઈપણ સિંહને અભયારણ્યમાંથી બહાર ન મોકલ્યાનો વનમંત્રીએ દાવો કર્યો છે. વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરે પૂછેલા સવાલના જવાબમાં સરકારે આ વિગતો આપી હતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news