અમેરિકામાં બર્ફીલા તોફાનનુ હાઈ એલર્ટ, ૧૬૦૦ ફ્લાઈટ રદ, સ્કૂલો પણ રહેશે બંધ

અમેરિકામાં પૂર્વોત્તરના તટવર્તી વિસ્તારોમાં સોમવારે બર્ફીલા તોફાને પોતાનો કહેર વર્તાવવાનુ શરૂ કરી દીધુ છે. આ વિસ્તારોમાં ભારે હિમવર્ષા સાથે ઝડપી પવન ફૂંકાવો પણ શરૂ થઈ ગયો જેના કારણે આ વિસ્તારોમાં લોકોને પ્રચંડ શરદીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બર્ફીલા તોફાનથી ન્યૂયોર્ક સહિત ઘણા મોટા શહેરોને એકદમ ઠપ્પ કરી દીધા છે. સાવચેતી રૂપે લગભગ ૧૬૦૦ ફ્લાઈટ્‌સને રદ કરી દેવામાં આવી છે. વળી, પ્રભાવિત વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ આ બર્ફીલા તોફાનના કારણે પૂર્વી પેનસિલ્વેનિયા, ઉત્તર ન્યૂજર્સી અને દક્ષિણ ન્યૂયોર્કના મોટા ભાગ પ્રભાવિત થશે. કહેવામાં આવી રહ્યુ છે કે આ વિસ્તારોમાં બર્ફીલા તોફાન બાદ ૧થી ૨ ફૂટ મોટા બરફની ચાદર પથરાઈ જશે અને ઠંડી પોતાના ચરમ પર હશે.

તમને જણાવી દઈએ કે સોમવારની સાંજ સુધી ન્યૂજર્સી અને પેનસિલ્વેનિયાના અમુક ભાગોમાં ૨૭ ઈંચ(૬૮ સેમી) અને ન્યૂયોર્ક શહેરના અમુક ભાગોમાં ૧૭ ઈંચ(૪૩ સેમી) સુધી બરફ પડ્યો. વળી, ૧૩ ઈંચ(૩૩ સેમી)થી વધુ બરફ મેનહટ્ટન વિસ્તારમાં પડ્યો જેના કારણે સેન્ટ્રલ પાર્ક એકદમ ઢંકાઈ ગયુ.