દિલ્હીમાં આંધી-તોફાન સાથે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે દિલ્હી, ગાઝિયાબાદ, દાદરી, નોએડા, વલ્લભગઢ, ફરીદાબાદ, હાપુડ, ભિવાની, રોહતક, પાણીપત અને આસપાસના ક્ષેત્રોમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને એનસીઆરના કેટલાક વિસ્તારોમાં મંગળવારે સાંજે પણ વરસાદ થયો હતો. આ કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી પરિવહનને અસર પહોંચી હતી. સફદરજંગ વેધશાળાના અહેવાલ પ્રમાણે મંગળવારે સાંજે ૫ઃ૩૦ વાગ્યા સુધીમાં દિલ્હીમાં ૩.૬ મિમી વરસાદ નોંધાયો હતો. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વાતાવરણ પલટાઈ રહ્યું છે.

હવામાન વિભાગે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં બુધવારે વરસાદની શક્યતા દર્શાવી છે. હવામાન વિભાગે એ દિલ્હીમાં આંધી-વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સાથે જ આગામી ૪ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે.  હવામાન વિભાગે બુધવાર માટે ઓરેન્જ એલર્ટ અને આગામી ૩ દિવસ માટે યેલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે આગામી થોડા કલાકોમાં દિલ્હી અને એનસીઆરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના કાસગંજ, મોદીનગર, કિઠૌર, અમરોહા, ગઢમુક્તેશ્વર, પિલખુઆ, હાપુડ, સિયાના, સિકંદરાબાદ, બુલંદશહર, જહાંગીરાબાદ, અનૂપશહર, મેરઠ, બિજનૌર, સંભલ, અલવર અને આસપાસના વિસ્તારો માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.