વડોદરાના ભરચક વિસ્તારમાંથી છ ફૂટના મગરનું રેસ્ક્યુ કરાયું

શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારા નજીક આવેલા સલાટવાડા રહેણાંક વિસ્તારના નવાગઢ મહોલ્લામાં મોડી રાત્રે સાડા છ ફૂટનો મગર ધસી આવતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. જોકે, મગર સ્થાનિક લોકોને નુકશાન પહોંચાડે તે પહેલા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ સંસ્થાના કાર્યકરો સ્થળ પર દોડી ગયા હતા. અને ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરી પકડી લીધો હતો. મોડી રાત્રે રહેણાંક વિસ્તારમાં ધસી આવેલા મગરને જોવા અને જીવદયા સંસ્થાની રેસ્ક્યુ કામગીરી જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

ચોમાસાની શરૂઆત થતાં અને કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદીમાં શરૂ કરવામાં આવેલી સફાઇ કામગીરી કરવામાં આવી રહી છે. જેને પગલે વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં વસવાટ કરતા મગરો ખોરાકની શોધમાં નદી કિનારાના રહેણાંક વિસ્તારોમાં આવવાની શરૂઆત થઇ ગઇ છે. મોડી રાત્રે સલાટવાડાના નવાગઢ મહોલ્લામાં વિશાળ મગર ધસી આવતા ચકચાર મચી ગઇ હતી. સ્થાનિક લોકોએ મગરને જોતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદભાઈ પવારને જાણ કરી હતી. તુરત જ  સંસ્થાના કાર્યકર સુવાસ પટેલ, અરુણ સૂર્યવંશી, દેવ રાવલ, જયેશ રાવલ, વિશાલ રાવલની ટીમ મગરને રેસ્ક્યુ કરવાના જરૂરી સાધનો અને વડોદરા વનવિભાગના અધિકારી લઇને નવાગઢ મહોલ્લામાં ગણતરીની મિનીટોમાં પહોંચી ગયા હતા. સ્થળ પર પહોંચેલી રેસ્ક્યુ ટીમે એક સાડા છ ફૂટનો મગર મકાનો પાસે જોવા મળ્યો હતો.

નવાગઢ મહોલ્લામાં મગર આવતા જ લોકોના ટોળા વળી ગયા હતા. અને લોકોએ પોતાના મોબાઇલ ફોનમાં ફોટા અને વીડિયો ઉતારવાનું શરૂ કરી દીધું હતું. દરમિયાન પહોંચી ગયેલી રેસ્ક્યુ ટીમે મગરને અડધો કલાકની ભારે જેહમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરી લીધો હતો. મગરની રેસ્ક્યૂ કરીને રીક્ષામાં લઈ જવાયો હતો.