ભારતમાં પરિસ્થિતિ કાળજું કંપાવનારી -એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ
સ્વીડનની કલાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ભારતમાં ઓક્સિજનની અછતને કારણે પરિસ્થિતીને કાળજું કંપાવનારી ઘટના ગણાવી છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘દુનિયાભરના દેશોએ આગળ આવીને કોરોના સામે લડી રહેલા ભારતને મદદ કરવી જોઈએ.’ ખરેખર, દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યો કોરોનાની બીજી લહેર વચ્ચે મેડિકલ ઓક્સિજન, બેડ અને દવાઓની અછતથી સંઘર્ષ કરી રહ્યા છે.
ગ્રેટા ગઈ વખતે ભારતમાં ખેડૂત આંદોલન દરમિયાન ટ્વીટ અંગે વિવાદમાં ઘેરાઈ હતી. તેના ટિ્વટ સાથે શેર કરવામાં આવતા ટૂલકિટ અંગે વિવાદ થયો હતો. એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે ભારત વિરોધી કાવતરા હેઠળ ટૂલકિટ દ્વારા આંતરરાષ્ટ્રીય હસ્તીઓ દ્વારા ટિ્વટ કરાવવામાં આવ્યા, જેથી આ મામલાને હવા મળી શકે.
નિષ્ણાતો માને છે કે ઘણા પરિવર્તનીય સ્ટ્રેનને કારણે ભારતમાં કોરોના ખુબ જ ઝડપથી ફેલાયો છે. કોરોનાના નિયમો પ્રત્યે લોકોની બેદરકારીને કારણે પરિસ્થિતિ પણ ભયાનક બની છે. દરરોજ ૩ લાખથી વધુ કેસ આવ્યા બાદ હોસ્પિટલોમાં બેડ, દવા અને ઓક્સિજનની તીવ્ર તંગી જોવા મળી છે.