ગાંધીનગરના ઘ- ૪નાં અંડરબ્રિજમાં વરસાદ વિના જ પાણી

ગાંધીનગરમાં નગરજનોનાં ભારે વિરોધ વચ્ચે સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ઘ-૪ સર્કલનો ભોગ લઈને કરોડોના ખર્ચે બિન જરૂરી અંડરબ્રિજ બનાવી દેવામાં આવ્યો છે. જો કે અંડરબ્રિજની કામગીરીને લઈને શરૂઆતથી ભ્રષ્ટાચારનાં આક્ષેપો થઈ રહ્યા છે. ચોમાસાની સિઝનમાં થોડાક વરસાદમાં જ બ્રિજની દિવાલોમાંથી પાણીના ફુવારા નીકળવા લાગ્યા હતા. જેનાં કારણે અંડરબ્રિજ પાણીથી ભરાઈ જવાથી કોર્પોરેશન તંત્ર ધ્વારા બંધ કરી દેવાની ફરજ પડી હતી. હવે વાયબ્રન્ટ ટાણે જ અંડરબ્રિજની કામગીરી બાબતેનો ભ્રષ્ટાચાર ભર શિયાળામાં પાણી વહેવા લાગતા બહાર આવી ગયો છે.

સવાર સવારથી આ અંડરપાસમાંથી ચોમાસાની સિઝન વગર પાણી ઉભરાવાની સમસ્યા સર્જાઈ હતી. જેની જાણ થતાં આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટર તુષાર પરીખ સ્થળ પર દોડી ગયા હતા. અને તેમણે કોર્પોરેશનના જવાબદાર અધિકારીને પણ બોલાવી લઈ અંડરબ્રિજની સ્થિતિથી વાકેફ કરાયા હતા. જે અન્વયે કોર્પોરેશન તંત્ર દ્વારા રાત્રે અંડરબ્રિજ ફરી પાછો બંધ કરીને પાણી ઉભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવાની ખાત્રી આપવામાં આવી હતી આટલું ઓછું હોય તેમ થોડા દિવસો અગાઉ પણ બ્રિજની લોખંડની ઝાલી તૂટી જવાના કારણે વાહનોમાં પંક્ચર પડવાની વ્યાપક બૂમરાણ ઉઠતાં અડધી રાત્રે ગાંધીનગર મેયર હિતેશ મકવાણા દોડી ગયા હતા. અને સ્થળ પર અધિકારીઓને બોલાવીને ઉધડો લઈ નાખ્યો હતો. આથી કોન્ટ્રાકટરે તાકીદે તેનું સમારકામ કરી દીધું હતું.

ગાંધીનગર સ્માર્ટ સીટી અંતર્ગત તૈયાર કરવામાં આવેલા ઘ-૪નાં અંડરબ્રિજ શરૂઆતથી જ ભ્રષ્ટાચારના વિવાદોમાં ઘેરાયેલો છે. કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવેલા અંડરબ્રિજમાં ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીના ફુવારા થવા માંડતા બંધ કરી દેવાની ફરજ પડી હતી. ત્યારે આજે ભર શિયાળામાં પણ પાણી વહેવાં લાગતા વાયબ્રન્ટ ટાણે જ સ્માર્ટ સીટીની કામગીરીની પોલ ખુલી જવા પામી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news