ભાવનગરનો બગડ ડેમ ઓવરફ્લો થતાં રસ્તાઓ પર પાણી
ભાવનગર પંથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે સાંબલાધારે વરસાદ મન મૂકીને વરસવો આરંભાયો હતો અને અનરાધાર ૬ ઇંચ વરસાદ વરસી ગયો હતો. પવનના સૂસવાટા અને ગાજવીજ સાથેના આ વરસાદને લીધે બગદાણામાં વહેતી બગડ નદીમાં ઘોડાપૂર આવ્યું હતુ. બગદાણામાં ચોતરફ પાણી વહેતા થઇ ગયા હતા. રસ્તાઓ અને શેરીઓમાં બેથી ત્રણ ફૂટ પાણી ભરાઇ ગયા હતા. બગદાણા ઉપરાંત તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો કરમદીયા, માતલપર, બેડા, મોણપર, નવાગામ(રતનપર), ટીટોડીયા, ધરાઇ, રાળગોન, બોરલા સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસી ગયો હતો.
ભારે વરસાદના કારણે બગડ ડેમ ૧૦૦ % ભરાઈ ગયા બાદ ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત રહેતા ૦.૧૫ મિમી ઓવરફલો થયો હતો. જળાશયમાંથી વહેતો પૂરનો પ્રવાહ ૪૭૬૪ ક્યુસેક હતો. જેથી નીચાણવાળા વિસ્તારોને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે. આમ જિલ્લાના મુખ્ય જળાશયો પૈકી એક એવો બગડ ડેમ આ ચોમાસાના પ્રથમ તબક્કાના વરસાદમાં ઓવરફ્લો થયો છે. જે જળાશયોના સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ થયો છે જેમાં બગડ ડેમ જળસ્ત્રાવ વિસ્તારમાં ૧૭૦ મિમી. અને રંઘોળા ડેમના જળસ્ત્રાવ વિસ્તારમાં ૩૦ મી.મી. વરસાદ નોંધાયો હતો. બગડ ડેમ ઓવરફલો થતા મહુવાના મોટી જાગધાર, નાની જાગધાર, લીલવણ તેમજ તળાજાના ખારડી, પાદરગઢ, બોરડી, દાઠા અને વાલર ગામને અસર થવાની શક્યતા હોય પાણીના પ્રવાહમાં અવર જવર નહીં કરવા તાકીદ કરાઈ છે.
ઉપરવાસમાં પડેલા સાવર્ત્રિક વરસાદના લીધે બગડ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. બગદાણા, બોરડા અને જાગધારમાં વરસેલા ધોધમાર વરસાદના લીધે બગડ નદી ગાંડીતુર બનીને વહેવા લાગી હતી. પાણીના મસમોટા પ્રવાહના લીધે નદી-નાળા છલકાયા હતા.તળાજા તાલુકાના વાલર અને દાઠા ગામમાં બેટ જેવી સ્થિતિ ઊભી થવા પામી છે. વાલરમાં એકપણ છાંટ વરસાદ વરસ્યો નથી. બગડમાં પૂર આવતા ગામના પાદર અને ચારેબાજુ પાણી ફરી વળ્યું છે. જેના લીધે ખેતી – પાક અને માલઢોરના ઘાસચારાને મસમોટું નુકશાન થવા પામ્યું છે. આ સાથે મહુવા બગદાણા રોડ ઉપર પાણી ફરી વળતા મહુવા બગદાણા રોડ બંધ કરાયો હતો.ભાવનગર શહેર અને જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મહુવા તાલુકાના પ્રસિદ્ધ તીર્થધામ બગદાણા ખાતે ગાજવીજ સાથે સાંબેલાધારે માત્ર ત્રણ જ કલાકમાં ૬ ઇંચ વરસાદ ખાબકી જતા બગદાણા પાણીથી તરબતર થઇ ગયું હતુ. જ્યારે બગડ નદીમાં આ પહેલા ધોધમાર વરસાદે ઘોડાપૂર આવ્યું હતુ. સીઝનના પહેલા જ ધોધમાર વરસાદે બગડ ડેમ ઓવરફ્લો થઇ ગયો છે, જેથી બગડના નીચાણવાળા અનેક ગામોમાં પાણી ભરાયા. બગડના પાણી ફરી વળતાં મહુવા-બગદાણા અને તળાજા-મહુવા રોડ બંધ કરવામાં આવ્યોડ છે.