અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો
અમદાવાદમાં ચોમાસાની શરુઆત થતાની સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં શરદી-તાવ, ઝાડા ઉલ્ટી સહિતના કેસોમાં વધારો થતો જઇ રહ્યો છે. અમદાવાદમાં રોગચાળાની વાત કરીએ તો સાદા મલેરિયાના ૫૬ અને ડેન્ગ્યૂના ૨૫ નોંધાયા છે. તો ચિકનગુનિયાના ૨ કેસ સામે આવ્યા છે. જો પાણીજન્ય રોગચાળાની વાત કરીએ તો ઝાડા-ઉલટીના ૭૫૫ દર્દી, કમળાના ૧૩૨ અને ટાઈફોઈડના ૨૯૭ કેસ નોંધાયા છે.
બીજી તરફ રોગચાળાને નાથવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર સક્રિય બન્યું છે. AMCના તંત્રએ વિવિધ શૈક્ષણિક સંસ્થા અને બાંધકામ સાઈટ પર તપાસ હાથ ધરી છે. તો કેટલાક સ્થળે મચ્છરોના લાર્વા મળી આવતા કેટલાક યુનિટ સીલ કરી દેવાયા છે. તો અન્ય સ્થળે ફોગિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે.