સુવેજ ફાર્મ વાળા ઉદ્યોગ માફિયાઓ ખોટી તેમજ ગેરકાયદેસરની પ્રવૃત્તિ આચરી રહ્યાંના આક્ષેપ સાથેના વીડિયો વાયરલ
દાણીલીમડા વિસ્તારમાં વર્ષો જુનાં કુટીર ઉદ્યોગો જેવી નાની-નાની ફેક્ટરીઓનાં હિત માટે સરકાર અને કોર્પોરેશનની મદદથી અમદાવાદ હેંડ સ્ક્રીન એન્ડ પ્રિંટીંગ એસોસિયેશનનાં સભ્યો તથા હોદ્દેદારોએ વર્ષોનાં અથાક પ્રયત્ન અને નાણાંકીય ભોગ આપીને ૩૦ એમ.એલ.ડી.ની ક્ષમતાં વાળો કોમન એફ્લ્યુએંટ ટ્રીટમેંટ પ્લાંટની ગયા વર્ષે સ્થાપનાં કરી ચાલું કરેલ. પરંતુ આ પ્લાંટમાં સુવેજ ફાર્મ અને બહેરામપુરામાં છેલ્લાં ૫ વર્ષમાં કર્ણાવતી એસોસિયેશનની માત્ર કાગળ ઉપર ખોટી રીતે મેળવેલ પરવાનગી આધારે સ્થાપિત થયેલ મોટી ફેક્ટરીઓનાં પ્રદુષણ માફિયાઓએ પાછળથી અમદાવાદ હેંડ સ્ક્રીન એન્ડ પ્રિંટીંગ એસોસિયેશનમાં સભ્યપદ (બેવડા સભ્યપદ) મેળવીને પ્લાંટની ક્ષમતાં કરતાં ૧૦થી ૧૫ ગણા પ્રદુષિત પાણીનો નિકાલ કરી પ્લાંટની દશા ખરાબ કરી દીધી છે. આ મુદ્દે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પ્લાંટને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી. પરિણામે દાણીલીમડાનાં કુટીર ઉદ્યોગો બંધ થવા પામેલ અને તેઓને છેલ્લાં ૮ મહિનાં કરતાં પણ વધુ સમયથી નુક્શાન ભોગવવાનો વારો આવ્યો છે.
તેમ છંતા આ સુવેજ ફાર્મ વાળા ઉદ્યોગ માફિયાઓ ખોટી તેમજ ગેરકાયદેસરની પ્રવૃત્તિ આચરી રહ્યાં અને આજે પણ ગેરકાયદેસર રીતે નદીમાં સતત પ્રદુષણ કરીને પોતાનાં ઉદ્યોગો ચાલું રાખી રહ્યાં હોવાના આક્ષેપ સાથેના કેટલાંક વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. જેમાં અમદાવાદ હેંડ સ્ક્રીન એન્ડ પ્રિંટીંગ એસોસિયેશનનાં હોદ્દેદારોએ સાબીરભાઇ કાબલીવાલાનાં નેતૃત્વમાં સુવેજ ફાર્મની ફેક્ટરીઓ ઉપર અચાનક રૂબરૂ વિજીટ કરી પ્રદુષણ અને એસિડનાં ટેંકરો પકડી પાડ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. આ વાયરલ વીડિયોમાં સાબિર કાબલીવાલા દ્વારા એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે અમદાવાદ હેંડ સ્ક્રીન એન્ડ પ્રિંટીંગ એસોસિયેશન સાથે સંકળાયેલા ઉદ્યોગો બંધ છે, જ્યારે અહીં એક વ્યક્તિના નાની-નાની સાઇઝમાં કેટલીક ફેક્ટરીઓ સંચાલિત કરી પ્રદૂષણ ફેલાવી રહી છે અને આ વ્યક્તિને કોર્પોરેશન અને જીપીસીબીના અધિકારીઓનો કોઈ ડર નથી તેવા પણ આક્ષેપ આ વીડિયોમાં કરવામાં આવી રહ્યો છે.
આ બાબતે ઘણી વખત પુરાવા સાથેની માહિતી અને સમાચારો પ્રસિદ્ધ અને પ્રસારિત થવાં છંતા જીપીસીબીનાં અધિકારીઓ કોઇ નક્કર પગલાં લઇને ફેક્ટરીઓનું પાવર કનેક્શન બંધ કરવાનો હુક્મ કેમ નથી કરતાં તે ગંભીર વિષય છે. જો લોકો આવી ફેક્ટરીઓ પકડી શકતા હોય તો જીપીસીબીની પ્રાદેશિક કચેરીને આવી ફેક્ટરીઓ કેમ દેખાઇ રહી નથી તે પ્રશન અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે.
અસ્વિકરણઃ આ સમાચારની વિગત વાયરલ થયેલા વીડિયોનું કન્ટેન્ટ છે. અમે વિડિઓની અધિકૃતતાની ચકાસણી કરી નથી, અને તે જરૂરી નથી કે તે અમારી સંસ્થાના મંતવ્યો અથવા અભિપ્રાયોને પ્રતિબિંબિત કરે. વિડિયો કન્ટેન્ટ ફક્ત માહિતીના હેતુ માટે પ્રકાશિત કરવામાં આવ્યો છે અને દર્શકોને વણચકાસાયેલ સામગ્રી શેર કરતી વખતે અથવા તેના પર આધાર રાખતી વખતે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.