સંસદના વિશેષ સત્ર પહેલા નવા સંસદ ભવન ખાતે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તિરંગો ફરકાવ્યો
નવીદિલ્હીઃ સંસદના વિશેષ સત્ર પહેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રવિવારે નવી સંસદ ભવન ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ધ્વજવંદન પ્રસંગે લોકસભાના સ્પીકર ઓમ બિરલા ઉપરાંત સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, કેન્દ્રીય સંસદીય બાબતોના રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ અને વી. મુરલીધરન ઉપરાંત રાજ્યસભા અને લોકસભાના સભ્યો પણ હાજર રહ્યા હતા.
નવા સંસદ ભવનનું ‘ગજ દ્વાર’ – વિવિધ પક્ષોના નેતાઓ પણ હાજર રહ્યા હતા. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે આ કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ભાગ લેવા તેઓ હાલ હૈદરાબાદમાં છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવા સંસદભવનના ‘ગજ દ્વાર’ પર ધ્વજ ફરકાવ્યો. સંસદના વિશેષ સત્રના એક દિવસ પહેલા આ ખાસ કામ હાથ ધરવામાં આવ્યુ છે. કારણ કે આ સત્રમાં સંસદીય કાર્યવાહીને જૂના સંસદ ભવનમાંથી નવા સંસદ ભવનમાં ખસેડવામાં આવશે. સંસદના વિશેષ સત્ર પહેલા આજે સાંજે ૪.૩૦ કલાકે સર્વપક્ષીય બેઠક પણ યોજાશે. આ બેઠક દ્વારા વિશેષ સત્રને સરળતાથી ચલાવવા માટે પરસ્પર સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરવામાં આવશે.
આવતીકાલથી સંસદનું પાંચ દિવસનું સત્ર શરૂ થઈ રહ્યું છે. આ પહેલા રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. ૨૮મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સમારોહનું આયોજન કરીને નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ આજ સુધી નવા સંસદભવનમાં એકપણ સત્ર યોજાયું નથી. રાષ્ટ્રધ્વજ ફરકાવવાના કાર્યક્રમમાં શાસક પક્ષના ઘણા નેતાઓ હાજરી આપવા છતાં, કોંગ્રેસ અધ્યક્ષ અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સમારંભમાં હાજરી આપી ન હતી. ખડગેએ કહ્યું હતું કે કાર્યક્રમમાં આવવાનું આમંત્રણ તેમને મોડેથી આપવામાં આવ્યું હતું. એક દિવસ પહેલા શનિવારે મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીને પત્ર લખ્યો હતો. ખડગેએ કહ્યું હતું કે તેમને ૧૫ સપ્ટેમ્બરની સાંજે આમંત્રણ પત્ર મળ્યું હતુ. તેઓ ૧૬-૧૭ સપ્ટેમ્બરે હૈદરાબાદમાં યોજાનારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં સામેલ થશે અને રવિવારે મોડી રાત્રે દિલ્હી પરત ફરશે. આવી સ્થિતિમાં તેમના માટે કાર્યક્રમમાં ભાગ લેવો શક્ય બનશે નહીં.
સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે. આજે સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠક છે. આ બેઠકમાં સંસદમાં થનારી કામગીરીની રૂપરેખા નક્કી કરવામાં આવશે અને સરકાર વિપક્ષી પાર્ટીઓ પાસેથી સહયોગની અપીલ કરશે.
દરમિયાન, નવી સંસદ ભવનમાં કેબિનેટ મંત્રીઓ માટે રૂમ ફાળવવામાં આવ્યા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, પરિવહન પ્રધાન નીતિન ગડકરી, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ, અર્જુન મુંડા, કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર, ધર્મેન્દ્ર પ્રધાન, વિદેશ પ્રધાન એસ જયશંકર, અશ્વિની વૈષ્ણવ અને સ્મૃતિ ઈરાનીના રૂમ વગેરે ફાળવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જૂના સંસદ ભવનમાં વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓના રૂમ ગ્રાઉન્ડ ફ્લોર પર હતા, પરંતુ નવા સંસદ ભવનમાં તેમના રૂમ કે ઓફિસ પહેલા માળે ફાળવવામાં આવી છે.