વડોદરાના કાલાઘોડા સર્કલ પાસે ચિકાસવાળા દૂષિત પાણીના લીધે વાહનો સ્લીપ ખાઈ પડ્યા
સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પાણીની લાઇન, ડ્રેનેજ લાઇન લીકેજ થવાની ઘટનાઓ સામાન્ય બની ગઇ છે. રોડ ઉપર વહેતા પાણીવાળા રસ્તાઓ ઉપરથી કોર્પોરેશનના અધિકારીઓ અને શહેરને સ્માર્ટ સિટીના સપના બતાવનાર કોર્પોરેશનના ભાજપના શાસકો પણ પસાર થતા હોય છે. પરંતુ, રોડ ઉપર વહેતા પાણી, ડ્રેનેજના પાણીનો પ્રશ્ન હલ કરવામાં ત્વરીત કાર્યવાહી કરતા ન હોવાથી અકસ્માતોના બનાવો બની રહ્યા છે.
વડોદરા શહેરના સયાજીગંજ કાલાઘોડા સર્કલ પાસે છેલ્લા ૧૦ દિવસથી વહી રહેલા ચિકાસવાળા દૂષિત પાણીના કારણે વાહન ચાલકો સ્લીપ ખાઇને પડી રહ્યા છે. પરંતુ, તંત્ર દ્વારા વહી રહેલા પાણીને બંધ કરવા માટેની કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આજે વહેલી સવારે ૫ વાહન ચાલકોને અકસ્માત નડ્યો હતો. જેમાં એક યુવતી તો ડેપ્યુટી મેયર નંદાબહેન જોશીની કારની આગળ જ રોડ પર ફસડાઈ ગઈ હતી. રોડ ઉપર પટકાયેલી યુવતીને ડેપ્યુટી મેયર મદદરૂપ થયા હતા. રાઉન્ડ ધ ક્લોક વાહનોથી ધમધમતા સયાજીગંજ કાલાઘોડા સર્કલ પાસે છેલ્લાં ૧૦ દિવસથી પાણી વહી રહ્યું છે.
ફૂટપાથ પર ચાલતાં લોકોના કપડાં પર ગંદું પાણી ઉડી રહ્યું છે. એ તો ઠીક પરંતુ, શહેર ભાજપા કાર્યાલય તરફથી એટલે કે સયાજીગંજ તરફથી ફતેગંજ તરફ વળતાં વાહનો સ્લીપ થવાના પણ બનાવો બની રહ્યાં છે. કોર્પોરેશન તંત્રના અધિકારીઓથી માંડી ભાજપના અગ્રણીઓ આ માર્ગ પરથી પસાર થતાં હોય છે. પરંતુ વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકી શકે તેવી આ સમસ્યા દૂર કરવાની કોઇએ તસ્દી લીધી નથી. દરમિયાન આજે વહેલી સવારે ૫ વાહનો સ્લીપ ખાઇને એકબીજા સાથે ભટકાયા હતા. જેમાં એક યુવતી સહિત બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. અકસ્માત સમયે ત્યાંથી પસાર થતાં ડેપ્યુટી મેયર નંદાબહેન જોશીએ કાર રોકીને ઇજાગ્રસ્ત યુવતીની મદદ કરી હતી. ડેપ્યુટી મેયરે યુવતીને પાણી પીવડાવી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા પણ કરી હતી.
ઇજાગ્રસ્તોએ જણાવ્યું કે, કાલાઘોડા પાસે વહી રહેલ દૂષિત પાણી કોઇનો ભોગ લે તે પહેલાં તંત્ર દ્વારા પાણી બંધ કરાવે તેવી લાગણી વ્યક્ત કરી હતી.