તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટમાં બે કામદારોના મોત, ચાર ઘાયલ
થૂથુકુડી: તમિલનાડુના દક્ષિણી જિલ્લા થૂથુકુડીમાં એક ખાનગી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટમાં બે કામદારોના મોત થયા છે અને અન્ય ચાર ગંભીર રીતે ઘાયલ થયા છે.
પોલીસે જણાવ્યું કે, આ અકસ્માત શનિવારે સાંજે નાઝરેથ પોલીસ સીમા હેઠળના કુરીપંકુલમ ગામમાં થયો હતો. તેમણે જણાવ્યું હતું કે શિવશક્તિ ફટાકડા ફેક્ટરીમાં કામદારો ફેન્સી પ્રકારના ફટાકડા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા અત્યંત જ્વલનશીલ રસાયણોનું મિશ્રણ કરી રહ્યા હતા ત્યારે ઘર્ષણને કારણે વિસ્ફોટ થયો હતો.
વિસ્ફોટ બાદ લાગેલી આગથી વેરહાઉસ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયું હતું. તમિલનાડુ ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસના કર્મચારીઓ ફેક્ટરીમાં પહોંચી ગયા હતા અને કલાકોની મહેનત બાદ આગને કાબૂમાં લીધી હતી. મૃતકોની ઓળખ કે મુથુકન્નન (21) અને ટી વિજય (25) તરીકે થઈ છે.
બે મહિલાઓ સહિત ઘાયલોને તિરુનેલવેલી સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલ અને સથાનકુલમ સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. નાઝરેથ પોલીસે કેસ નોંધીને ફેક્ટરીના માલિક રામકુમારની ધરપકડ કરી છે.
મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને ‘X’ પર એક પોસ્ટમાં, આ ઘટનામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો અને મૃતકોના પરિવારોને 3 લાખ રૂપિયા અને ઘાયલોને 1 લાખ રૂપિયાની સહાય રકમની જાહેરાત કરી.