આજે વર્લ્ડ સોઇલ ડે : “જમીન અને પાણીઃ જીવનનો સ્ત્રોત”

  • ગુજરાતની ધરતીને ગુણવત્તાયુક્ત અને પ્રદુષણમુક્ત રાખવા માટે રાજ્ય સરકારે હાથ ધરી અનેક નવતર પહેલો

પ્રાકૃતિક કૃષિ, સોઇલ હેલ્થ કાર્ડ અને નેનો યુરીયા સહિતની પહેલોના પરિણામે જમીનની ગુણવત્તામાં સુધારો આવશેઃ કૃષિ મંત્રી રાઘવજી પટેલ


સોઇલ એટલે કે જમીન સાથે અન્ન, પાણી અને હવા સહિતની અનેક બાબતો જોડાયેલી હોવાથી તેની ગુણવત્તા સદીઓ સુધી જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે. લોકોને જમીનના મહત્વ અને તેની ગુણવત્તા વિશે જાગૃત કરવા દર વર્ષે ૫મી ડિસેમ્બરે “વર્લ્ડ સોઇલ ડે”ની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે “જમીન અને પાણીઃ જીવનનો સ્ત્રોત” થીમ પર વર્લ્ડ સોઇલ ડે ઉજવવામાં આવી રહ્યો છે.

હવે પ્રશ્ન એ થાય છે કે જમીન બચાવવાની જરૂર કેમ છે? વાસ્તવમાં, પ્રદૂષણ અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગને પરિણામે જમીનની ગુણવત્તામાં ઘટાડો આવે છે, જે એક ગંભીર સમસ્યા છે. જમીનની ઘટતી ગુણવત્તાને કારણે જૈવિક પદાર્થોની ખોટ થાય છે અને જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. આવી સ્થિતિમાં લોકોને આ અંગે જાગૃત કરવા ખૂબ જ જરૂરી છે.

જમીનની ગુણવત્તા જાળવવા ગુજરાત સરકારના પ્રયાસો-

ગુજરાતની ધરતીને ગુણવત્તાયુક્ત અને પ્રદુષણ મુક્ત રાખવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા અનેક નવતર પહેલ અને પગલાઓ લેવામાં આવ્યા છે. આ અંગે વાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ખેતી લાયક જમીનનું સ્વાથ્ય જળવાઇ રહે અને ખેડૂત મિત્રો ટકાઉ ખેતી કરી શકે તે માટે કૃષિ વિભાગે અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.

મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, જંતુનાશક દવાઓ અને રસાયણિક ખાતરોનો અયોગ્ય અને અપ્રમાણસરનો ઉપયોગ જમીનને મહદઅંશે નુકશાન પહોંચાડે છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને ખેડૂતોને પણ પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહિ, ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સરળતાથી અપનાવી શકે તે માટે તાલીમ શિબિરનું પણ આયોજન કરવામાં આવે છે. રાજ્ય સરકારની આ ઝુંબેશને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખૂબ જ વેગ આપી રહ્યા છે.

મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, રાજ્યના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ આકર્ષાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સહાય પણ આપવામાં આવે છે. ગાય આધારિત ખેતી માટે સૌથી મહત્વપૂર્ણ ગાયનો નિભાવ ખર્ચ અને જીવામૃત-ઘનજીવામૃત બનાવવા માટે કીટ પણ આપવામાં આવે છે.

મંત્રીએ અન્ય પહેલોની વાત કરતા જણાવ્યું કે, ખેડૂતો તેમની જમીનનું સ્વાસ્થ્ય ચકાસી શકે તે માટે વર્ષ ૨૦૦૩-૦૪થી ‘સોઈલ હેલ્થ કાર્ડ યોજના’ અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ખેતરમાંથી જમીનનો નમૂનો લઈ તેનું પૃથ્થકરણ કરી કરવામાં આવે છે. જે પૃથક્કરણ રિપોર્ટના આધારે હેલ્થ કાર્ડ તૈયાર કરવામાં આવે છે અને ખેડૂતો સોઈલ હેલ્થ કાર્ડ રીપોર્ટના આધારે પોતાના ખેતરમાં ખૂટતા તત્વો ધરાવતા ખાતરનો ઉપયોગ કરી શકે છે. જેથી ખેતરમાં બીન જરૂરી કેમિકલયુક્ત ખાતરનો ઉપયોગ મર્યાદિત થતા જમીનનું સ્વાસ્થ્ય જળવાય છે.

મંત્રી રાઘવજી પટેલે નેનો યુરિયાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રાજ્ય સરકાર લીક્વીડ ફોર્મમાં આવતા નેનો યુરીયાને પ્રોત્સાહન આપી રહી છે. નેનો યુરીયાનો ફોલીયર સ્પ્રેના રૂપમાં છંટકાવ થતો હોવાથી તે છોડના પાન પર જ રહે છે. પરિણામે આગાઉ દાણાદાર યુરીયા જે સીધુ જમીનમાં નાખવામાં આવતુ જેનાથી જમીનના ક્ષાર વધતા જમીનનું સ્વસ્થ્ય બગડતું તથા જમીનના ખેતી ઉપયોગી જીવાણુંઓનો નાશ થતો હતો, તે અટકે છે.

આ ઉપરાંત ભારત સરકાર દ્વારા સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપતી પરંપરાગત કૃષિ વિકાસ યોજના હેઠળ ખેડૂતો દ્વારા જૈવીક ખાતરો, જૈવીક જંતુનાશકો, વર્મીકંપોસ્ટ, વનસ્પતિના અર્કનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવે છે. આવા ઉત્પાદનોના ઉપયોગ થકી જમીન વધુ ફળદ્રુપ બનાવવાના પ્રયત્નો પણ રાજ્ય સરકાર દ્વારા થઇ રહ્યા છે. જેના થકી જમીનનું સ્વાથ્ય સુધરશે તેવો મંત્રી રાઘવજી પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા જમીનનું સ્વાસ્થ્ય જળવાય, જમીનની ફળદ્રુપતા વધે, ખેત ઉત્પાદનમાં વધારો થાય તેમજ રસાયણોનો શક્ય હોય એટલો વપરાશ ઘટાડી “વર્લ્ડ સોઇલ ડે”ની ઉજવણી સાર્થક કરી શકાય તેમ છે. જમીનના સ્વાસ્થ્ય બાબતે જાગૃતિ લાવવા ગુજરાત સરકાર તો કટિબદ્ધ છે જ, પરંતુ વધુમાં વધુ ખેડૂતો પણ આ પવિત્ર કામમાં સહભાગી થાય તેવો મંત્રીએ અનુરોધ કર્યો હતો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news