સૌરાષ્ટ્રમાં શિયાળાની સિઝનમાં ત્રીજું માવઠું ખેડુતો પરેશાન
ઊના અને ગીરગઢડા પંથકમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો હતો. અને ઊનામાં ૩ મીમી જ્યારે ગીરગઢડામાં ૧ મીમી નોંધાયો હતો. અને ઘંઉ, ડુંગળી, ચણા, આંબાવાડીઓમાં નુકસાન થયું હતું. આ ઉપરાંત રસ્તા પર પાણીનાં ખાબોચીયા ભરાયા હતા. કેશોદ પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોરનાં સમયે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાટાં પડ્યા હતા. જેથી રવિ પાકમાં રોગ આવવાની ભિતી સેવાઈ રહી છે. જ્યારે કેશોદ શહેરમાં રસ્તો ભિના થયા હતા.
ભેંસાણ, જૂનાગઢ, કાજલી સહિતના યાર્ડમાં માવઠાંની આગાહીનાં પગલે શેડમાં જ ખરીદી કરાઈ હતી. અને જણસ સલામત સ્થળે ખસેડવામાં આવી હતી.છેલ્લા કેટલાક દિવસથી મીશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. અને કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી. કોઈ જગ્યાએ એક ઈંચ તો કોઈ જગ્યાએ ઝાપટાં પડ્યા છે. જેથી રવિપાકને નુકસાન થયું છે.ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. અને આકાશ વાદળછાયું જોવા મળ્યું હતું. અમુક જગ્યાએ ૧ ઈંચ તો અમુક જગ્યાએ ઝરમર વરસાદ પડ્યો હતો. જૂનાગઢ શહેરમાં પણ ઠંડાગાર પવન વચ્ચે ૧૨ વાગ્યે છાટાં પડ્યા હતા. જો કે, બપોર બાદ વાતાવરણ ચોખ્ખુ થઈ ગયું હતું. હજુ ૧૧ જાન્યુ. સુધી માવઠાંની શક્યતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
અત્રે નોંધનીય એ છે કે, ચોમાસા પૂર્ણ થયા બાદ ત્રીજી વખત માવઠાં રૂપી આફત આવતા ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કોડીનાર શહેરમાં બપોરનાં બાર વાગ્યા પછી ધીમીધારે કમોસમી વરસાદ શરૂ થયો હતો. અને એક ઈંચ સુધી પાણી વરસતા ખેતરોમાં ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. આ ઉપરાંત ઘાસ-ચારો પણ પલળી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. વેરાવળ શહેરમાં વહેલી સવારથી જ ઠંડાગાર પવન શરૂ થયો હતો. અને ઝાકળ વર્ષા પણ જોવા મળી હતી. આ ઉપરાંત આકાશમાં કાળાડીંબાગ વાદળો ચઢી આવ્યા હતા. અને ઝરમર વરસાદ પડ્યો હતો. આ વરસાદથી રોગચાળો વકરવાની ભિતી સેવાઈ રહી છે. કોડીનાર પંથકનાં ડોળાસા ઉપરાંત આસપાસનાં ગામોમાં સવારે ૯ વાગ્યાથી બપોરનાં ૨ સુધી ઝરમર વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો હતો.