કેમિક્લયુક્ત પાણીને લીધે શાકભાજી ખાવી પણ જોખમ
કેમિકલના પાણીથી ઊગાડેલા શાકભાજી આરોગવાથી કેન્સર જેવા રોગ થાય છે. એવું ડૉ. ગર્ગનું કહેવું છે. કેમિકલ્સના પાણીમાં મેટલ્સનું પ્રમાણ વધારે હોય છે. આર્સેનિક, મરક્યુરી, ક્રોમિયમ જેવા તત્ત્વોનું પ્રમાણ વધારે હોવાથી ઝાડા, ઊલટી, કિડનીને નુકસાન, બીપી, મગજના તંતુ નબળા પડવા, હાથપગ નબળા પડવા જેવી ગંભીર અસર થાય છે. જ્યારે આંતરડા અને શરીરના અન્ય ભાગમાં કેન્સર થાય છે. પુરૂષોમાં નપુંસકતા આવે છે. જ્યારે બાળકોનો વિકાસ રૂંધાય છે. કેન્સર અને બીજા ગંભીર રોગ માટે આવું કેમિકલવાળું પાણી જવાબદાર છે. બીજી તરફ તંત્ર પણ આવા એકમો સામે કોઈ પગલાં લેતું નથી. પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓ જાણે કુંભકર્ણની નિંદ્રામાં સૂતા હોય એવું અમદાવાદનું ચિત્ર છે.મહાનગર અમદાવાદમાં ફરી એક વખત સાબરમતી નદીમાં કેમિકલવાળું પાણી છોડવાનો મામલો સામે આવ્યો છે. જેની અસર હવે આ પાણીનો ઉપયોગ કરનારા લોકો પર થશે એવા એંધાણ છે.
કેમિકલની ફેક્ટરી લાખો માનવજીવનને ખતમ કરી દેશે પછી સરકાર ગાઢ નિંદ્રામાંથી જાગશે? આ પ્રશ્ન સામે આવીને ઊભો રહ્યો છે. અમદાવાદ શહેરમાં લીલા શાકભાજીને જાેઈને દરેક મહિલા મોહી પડે. જેને ઘરે લાવીને હોંશે હોંશે એમાં તેલ-મરી મસાલાનો વધાર કરીને આરોગે છે. પણ હકીકત એવી સામે આવી છે કે, આ કોઈ લીલા શાકભાજી નથી પણ કેન્સરના કોળિયા છે. અમદાવાદ શહેરમાંથી મળી આવેલા લીલા શાકભાજીમાં કેન્સર થવાના લક્ષણ મળી આવ્યા છે. શહેરમાં મળી રહેલા મોટાભાગના લીલા શાકભાજી સાબરમતી નદીના હેઠવાસના બંને કિનારા પાસે આવેલા ખેતરમાં પકવવામાં આવે છે. જેમાં અમદાવાદની સાબરમતી નદીના કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીનો ઉપયોગ થાય છે. જેના કારણે કેન્સર જેવી ગંભીર બીમારી કરતાં તત્ત્વો શાકભાજી સાથે ભળીને આપણા ઘર સુધી પહોંચે છે.
અમદાવાદ શહેરમાં આવેલા ઓઢવ, નરોડા, નારોલ, વટવા તથા દાણીલિમડામાં ધમધમતી કેમિકલ ફેક્ટરીઓ રસાયણ તથા કેમિકલવાળું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવે છે. જેના કારણે લાખો લોકોના જીવ સામે જાેખમ ઊભુ થયું છે. આ પાણીનો સીધો ઉપયોગ શાકભાજીની ખેતી માટે કરવામાં આવે છે. જેના કારણે ભવિષ્યમાં મોટું જાેખમ ઊભું થશે આ ઉપરાંત, લાંબાગાળા સુધી એની અસર રહે એવા એંધાણ છે. આવા શાકભાજીને કારણે કેન્સરના કેસમાં ઉછાળો આવી શકે છે. સાબરમતી નદી વાસણા બેરેજથી આગળ વધીને ધોળકાના ગામોમાં અને તેની નીચે ભાલ કાંઠાના ગામે થઈને આગળથી સમુદ્રમાં ભળી જાય છે. કેમિકલ માફિયાઓએ આ પાણીમાં પોતાનું કેમિકલવાળું ગંદુ પાણી છોડીને લોકોના જીવ જાેખમમાં મુક્યા છે.
કારણ કે આવા પાણીનો ઉપયોગ શાકભાજીની ખેતીમાં થઈ રહ્યો છે. સૌથી મોટી ખોટ એ છે કે, કેમિકલ ફેક્ટરીઓ અને પ્રોસેસ હાઉસ એમનું ઝેરી કેમિકલવાળું પાણી કોઈ જાતની ટ્રિટમેન્ટ વગર તથા અધુરી ટ્રિટમેન્ટ કરી સાબરમતીમાં છોડી રહ્યા છે. આવું ઝેરી અને કેમિકલવાળું પાણી નદીના પ્રવાહમાં આગળ વધતા ધોળકાના ગામ તથા ભાલકાંઠાના ગામમાં થઈને વહે છે. જે છેલ્લે ખંભાતના અખાતને મળે છે. આ વિસ્તારમાં હજારો ખેડૂતો વર્ષોથી સાબરમતીના પાણીથી શાકભાજીની ખેતી કરી રહ્યા છે. સ્થિતિ એવી ઊભી થઈ છે કે, છેલ્લાં બે દાયકાથી આ રીતે કેમિકલવાળું પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે સાબરમતી નદી પ્રદૂષિત થઈ છે. જેની માઠી અસર આ શાકભાજીની ખેતી પર થઈ રહી છે.