તાણાસર તળાવમાં પેટા કેનાલમાં વધુ પાણી છોડાતા પાણી રોડ પર ફરી વળ્યું
મયુરનગરથી તાણાસર તળાવ સુધીના રસ્તા પર ૫૦થી વધુ ખેડૂતોની જમીનો આવેલી છે. જેથી હાલ ખેડૂતોને રાત્રે પાકને ટોવા અને દિવસે કામ કરવા જતા હોય છે. પરંતુ ટીકર પાસેથી પસાર થતી માળીયા બ્રાંચની નર્મદા કેનાલમાંથી મયુરનગર તરફ આવતી પેટા કેનાલમાં હાલ પાણીનો પ્રવાહ વધુ પ્રમાણમાં છોડાતા કેનાલ છલકી રહી છે. સાથે-સાથે આ પાણી તાણાસર તળાવમાં આવતું હોય જેથી તળાવ પણ હાલમાં છલકાઈ ગયું છે, જેના કારણે ખેડૂતોને વાડીએ જવાના રસ્તા પરથી પાણીમાં તરીને જવું પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
હાલ ખેડૂતોને ખેતરે જવું મુશ્કેલ તો બન્યું છે સાથે જ હજારો લિટર પાણી પણ વેડફાઇ રહ્યું છે. જેથી નર્મદા કેનાલના અધિકારીઓ વહેલી તકે વેડફાતુ પાણી બંધ કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. વધુમાં ખેડૂતો જણાવી રહ્યા છે કે જ્યારે પાણીની જરૂર હોય ત્યારે આ પેટા કેનાલમાં પાણીનો પ્રવાહ ઓછો કરી દેવામાં આવતો હોય છે. જ્યારે ખેડૂતોને પાણીની જરૂરિયાત હોતી નથી તેવા સમયે કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ છોડવામાં આવતો હોય છે, સાથે જ આ પેટા કેનાલ સાફ કરવામાં ન આવી હોય જેના કારણે પણ કેનાલ છલકાઈ રહી છે.હળવદ તાલુકાના મયુરનગર ગામે આવેલા તાણાસર તળાવમાં પેટા કેનાલનું પાણી વધુ માત્રામાં આવતું હોવાને કારણે તળાવ ભરશિયાળે છલકાયું છે. જેના કારણે ખેડૂતોને ખેતરે જવાના સાડા ત્રણ કિલોમીટરના રસ્તા પર પસાર થવું મુશ્કેલ બન્યું છે. હાલમાં તો હજારો લિટર પાણી વેડફાઇ રહ્યું છે, જે બંધ કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે.