ગાંધીનગર રેલવે સ્ટેશનેથી ૩૦મી સપ્ટેમ્બરે વડાપ્રધાન વંદે ભારત ટ્રેનને આપશે લીલી ઝંડી

તારીખ ૨૯ અને ૩૦ સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના હોમ સ્ટેટને વધુ એક મોટી ભેટ આપવા જઇ રહ્યા છે. વડાપ્રધાન ૩૦ સપ્ટેમ્બરે રાજ્યની રાજધાની ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવીને તેને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં પરિવહન સુવિધાઓને સુદૃઢ બનાવવા માટે નોંધપાત્ર કામગીરી કરી છે, ત્યારે આ વંદે ભારત ટ્રેન ગુજરાતના નાગરિકો માટેની પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાઓમાં વધારો કરશે. દિલ્હીના બે રૂટ્‌સ પર મોટી સફળતા પછી ભારતની પહેલી સ્વદેશી સેમી હાઈ સ્પીડ ટ્રેન હવે ગુજરાતના પાટા પર પણ દોડતી જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા જ ગુજરાતમાં વંદે ભારત ટ્રેનનું સફળ ટ્રાયલ પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં શરૂ થનારી આ વંદે ભારત ટ્રેનને પહેલી વખત ‘કવચ’ (ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ) ટેક્નીકથી લોન્ચ કરવામાં આવી રહી છે. આ ટેક્નીકની મદદથી બે ટ્રેનની સામસામે થનારી અથડામણ જેવી દુર્ઘટનાઓને હવે અટકાવી શકાશે. આ ટેક્નીકને દેશમાં જ વિકસિત કરવામાં આવી છે, જેના કારણે તેનો ખર્ચ ઘણો ઓછો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૨૨ના બજેટમાં ૨૦૦૦ કિલોમીટર સુધીના રેલ નેટવર્કને ‘કવચ’ હેઠળ લાવવાની યોજના વિશે એલાન કરવામાં આવ્યું હતું અને માર્ચ ૨૦૨૨માં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તેનું સફળ પરીક્ષણ પણ કર્યું હતું.

સ્વદેશી સેમી-હાઇ સ્પીડના નામથી પ્રસિદ્ધ આ ટ્રેન ૦ થી ૧૦૦ કિમી પ્રતિ કલાક સુધીની ઝડપ માત્ર ૫૨ સેકંડમાં પ્રાપ્ત કરી લે છે. આ ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે સ્લાઇડિંગ ફૂટસ્ટેપ્સ, ઉપરાંત ટચ ફ્રી સ્લાઇડિંગ ડોરની સાથે સ્વચાલિત પ્લગ દરવાજાઓ પણ લગાવવામાં આવ્યા છે. એસીના મોનિટરિંગ માટે કોચ કંટ્રોલ મેનેજમેન્ટ સિસ્ટમ, અને કંટ્રોલ સેન્ટર તેમજ મેઇન્ટેનન્સ સ્ટાફની સાથે કોમ્યુનિકેશન તેમજ ફીડબેક માટે જીએસએમ / જીપીઆરએસ જેવી આધુનિક ટેક્નીકનો ઉપયોગ કરવામાં આવે છે. દિવ્યાંગ મુસાફરો માટે વિશેષ પ્રકારના શૌચાલય અને સામાન્ય મુસાફરો માટે ટચ-ફ્રી એમેનિટિસવાળા બાયો વેક્યુમ ટોયલેટ્‌સની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જ રીતે, અંધ મુસાફરોની સુવિધા માટે સીટોમાં બ્રેલ લિપિની સાથે સીટની સંખ્યા પણ કોતરવામાં આવી છે, જેથી આવા મુસાફરો પોતાની સીટ્‌સ સુધી સરળતાથી પહોંચી શકે. એટલું જ નહીં, આધુનિક ટેક્નિકની વાત કરીએ તો આ ટ્રેનમાં વધુ સારા ટ્રેન નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ-આઈઆઈ સેફ્ટી ઇન્ટિગ્રેશન સર્ટિફિકેશન, કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત ૪ પ્લેટફોર્મ સાઇડ કેમેરા, તમામ કોચમાં એસ્પિરેશન આધારિત ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ ક્યૂબિકલ્સ તેમજ શૌચાલયોમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેસ સિસ્ટમ જેવા બહેતર અગ્નિશામક સુરક્ષા ઉપાયો કરવામાં આવ્યા છે. વંદે ભારત એક્સપ્રેસે ભારતમાં મુસાફરીના એક નવા યુગની શરૂઆત કરી છે. માત્ર રૂ.૧૦૦ કરોડના ખર્ચે બનનારી આ ટ્રેન સમાન સુવિધાઓ ધરાવતી આયાતી ટ્રેન કરતા લગભગ અડધા ખર્ચે બનીને તૈયાર થઈ જાય છે. માનનીય વડાપ્રધાનના ‘મેક ઇન ઇન્ડિયા’દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને ટ્રેનની મુખ્ય સિસ્ટમ્સને ભારતમાં ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવી છે.

ગુજરાતમાં ચાલનારી નવી વંદે ભારત એક્સપ્રેસ દેશની ત્રીજી વંદે ભારત ટ્રેન છે. અન્ય બે ટ્રેનો દિલ્હી-વારાણસી અને નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરાની વચ્ચે ચલાવવામાં આવી રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ સમારોહના એક ભાગરૂપે માનનીય વડાપ્રધાને ઓગસ્ટ ૨૦૨૩ સુધીમાં દેશભરમાં ૭૫ વંદે ભારત ટ્રેન ચલાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news