શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ મામલે હોસ્પિટલ મેનેજમેન્ટ જવાબદાર
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગી ત્યારે એ બહાર જાય નહીં એવી અવ્યવસ્થા હતી. બારીઓ સ્ક્રૂ મારીને બંધ કરી દેવામાં આવી હતી, જેથી આગ હોસ્પિટલની અંદર જ રહી હતી. આઇ.સી.યુ.માં સ્મોક-ડિટેક્ટર હતા નહિ, ફાયર એલાર્મ હતા નહિ, ઓટોમેટિક સ્પ્રિંકલર સિસ્ટમ પણ આપવામાં આવી ન હતી, જેથી આ આગ લાગવા પાછળ તપાસ પંચે હોસ્પિટલના મેનેજમેન્ટ અને ભરત મહંતને જવાબદાર ઠેરવ્યા છે. શ્રેય હોસ્પિટલમાં ૧૫ વર્ષ જૂની પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમ હતી, જેને કારણે આગ લાગી હતી. આ સિસ્ટમ દર પાંચ વર્ષે એક્સપાયર થાય છે, જેથી એક્સપાયરીની અંતિમ તારીખ કરતાં પણ ૧૦ વર્ષ જૂની સિસ્ટમને કારણે આગ લાગી હતી. રિપોર્ટમાં તપાસ કમિશન દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ પ્રમાણે જ્યાં સુધી રેગ્યુલર સ્ટાફ ના આવે ત્યાં સુધી કોન્ટ્રાક્ટ પર સ્ટાફની નિમણુક કરવી જોઈએ.
સરકારી સ્થાનિક તંત્રએ રેગ્યુલર સ્ટાફ ભરવો અને પોતાના જ્યુરિડીક્શન માં અગ્નિ શામક સાધનોની તપાસ કરવી જરૂરી છે.રાજ્ય સરકાર રાજ્યના તમામ નર્સિંગ હોમ માટે રજિસ્ટ્રેશન એક્ટ લાવે,આ રજિસ્ટ્રેશન દરમિયાન નવા કાયદા પ્રમાણેની તમામ સુવિધાઓ હોવી જોઈએ.ગુજરાત વિધાનસભામાં કેગનો અહેવાલ રજૂ થયો હતો. કેગના રિપોર્ટ બાદ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવા મુદ્દેની તપાસનો રિપોર્ટ રજૂ કરાયો હતો. જસ્ટિસ ડી.એ. મહેતા કમિશન દ્વારા રજુ કરાયેલા આ રિપોર્ટમાં કહેવાયું છે કે શ્રેય હોસ્પિટલમાં આગ લાગવા પાછળ એનું મેનેજમેન્ટ જવાબદાર છે.