કડીમાં ઝાડા-ઉલટીના કેસમાં વધારો થતાં હરકતમાં આવ્યું આરોગ્યતંત્ર
કડી શહેરમાં હવામાનમાં પલટો આવતાની સાથે જ કડી શહેરના કેટલાક વિસ્તારોમાં ઝાડા, ઉલટી, તાવ, શરદી જેવા કેસોમાં અચાનક જ વધારો થતા કડી આરોગ્યતંત્ર હરકતમાં આવી ગયું હતું અને અલગ અલગ જગ્યાએ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. અલગ અલગ જગ્યાએ કેમ્પો ખોલીને દર્દીઓને દવાઓ વિતરણ કરવામાં આવ્યું હતું. ઘટનાને પગલે મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી પણ કડી ખાતે દોડી આવ્યા હતા. કડી શહેરના રોહિત વાસ, મલ્લીવાસ, ગોપાલની ચાલી, હાઇવે ચાર રસ્તા જેવા વિસ્તારોમાં છેલ્લા ૧૫ દિવસમાં ઝાડા, ઊલટીના કેસોમાં અચાનક જ વધારો જોવા મળી રહ્યો હતો
. જ્યાં ઘટનાના પગલે આરોગ્યતંત્ર હરકતમાં આવી ગયું હતું. કડી શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માઝા મુકતા કેટલાક વિસ્તારોમાં સૌથી વધારે લોકોને ઝાડા-ઉલટીની અસર થવા પામી હતી અને કડી આરોગ્ય વિભાગને જાણ થતા આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. આરોગ્ય વિભાગના મહેસાણા જિલ્લા અધિકારી સહિત કડી આરોગ્ય વિભાગના સ્ટાફે સ્થળ ઉપર પહોંચી તપાસ શરૂ કરી હતી.