ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદી પ્રદૂષણ કેસમાં કરાઈ રહેલી કામગીરીને લઈ એએમસીની ઝાટકણી કાઢી
અમદાવાદઃ સાબરમતી નદીમાં પ્રદૂષણની જાહેરહિતની રિટની 21 જૂને થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનને સાબરમતી નદીમાં થતા પ્રદૂષણને રોકવા માટે લેવાઇ રહેલા પગલા સંદર્ભે કરાયેલ કામગીરીને અંગે એએમસી સત્તાવાળાઓ સામે સખત નારાજગી દર્શાવી ઝાટકણી કાઢી હતી.
છેલ્લા કેટલાંય વર્ષોથી સાબરમતી નદીમાં પ્રદૂષણને રોકવા માટે હાઈકોર્ટ દ્વારા જવાબદાર તંત્રને સઘન કામગીરી માટે નિર્દેશ અને તાકીદ કરાઈ રહી છે. ત્યારે દર સુનાવણી સમયે એએમસી દ્વારા સોગંદનામું જમા કરાઈ દેવાય છે. સાબરમતી નદીમાં પ્રદૂષણને રોકવા માટે એસટીપી ડેવલપમેન્ટનો ચિતાર રજૂ કરી દેવાય છે, પરંતુ સાબરમતી નદીમાં પ્રદૂષણની સ્થિતિમાં કોઈ સુધારો નહીં જોવા મળી રહ્યો નથી, જેને લઇને હાઈકોર્ટે પોતાના નારાજગી વ્યક્ત કરી હતી.
શુક્રવારે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્પોરેશન દ્વારા એસટીપી કામગીરીની બ્લુપ્રિન્ટ રજૂ કરી હતી. જેમાં ત્રણ એસટીપીને અપગ્રેડ કરવાનું કામ ચાલી રહ્યું હોવાનું જણાવાયું હતુ. જેની સામે ટકોર કરતા ખંડપીઠે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે તમે દર વખતે દરેક એસટીપીનો કામગીરી રીપોર્ટ ન આપી માત્ર બે-ત્રણ એસટીપીની વાત કરો છો. શું તમે અમે મૂરખ સમજો છો? તમે કરેલા કામો જ રજૂ કરો છો. કોર્ટ તમને જે પ્રશ્ન કરે તેનો જવાબ તમે આપતા નથી. અહીં તમે કયું કામ કેટલા સમયમાં કરશો તેને રજૂ કરો. અહીં કામગીરીની પ્રગતિનો ચિતાર રજૂ કરો. બ્લુપ્રિન્ટનો અર્થ એ તમે કોર્ટમાં રજૂ કરેલા એ વચન છે કે તમે આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કેવા પગલા લઇ રહ્યો છો. હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 1 જુલાઈ સુધીનો સમય આપી સોગંદનામું કરવા આદેશ આપ્યો છે.
વધુમાં હાઈકોર્ટે એએમસીની ઝાટકણી કાઢતાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનો અભિગમ યોગ્ય નથી તેમ જણાવી કોર્ટે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.