ફાયર વિભાગ દ્વારા પાદરાનું સરકારી દવાખાનુ, કોલેજ અને નગરપાલિકાની શાળાને સીલ
પાદરામાં પણ ફાયર વિભાગ દ્વારા એમ.કે. અમીન કોલેજ, નગરપાલિકા સંચાલિત ગર્લ્સ શાળા અને આરોગ્ય કેન્દ્રને ફાયર સેફટીની સુવિધા બાબતે એક વખત નોટીસ આપવામાં આવી હતી. પણ આ જગ્યા પર ફાયર સેફટીના સાધનોની સુવિધા ન કરવામાં આવતા ફાયર વિભાગ દ્વારા સીલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહત્ત્વની વાત છે કે, ભાવનગર જિલ્લામાં પણ બે દિવસ પહેલા ફાયર વિભાગે તવાઈ બોલાવી હતી. જ્યાં ફાયર વિભાગે ફાયર સેફ્ટી અને NOC બાબતે તળાજાની સમર્પણ હોસ્પિટલ, કલરવ હોસ્પિટલ, પાલીતાણાની શેત્રુંજય હોસ્પિટ, મહુવાની જીવનદીપ હોસ્પિટલ ઇમેજિંગ સેન્ટર, સ્પર્સ હોસ્પિટલ, મહુવામાં આવેલી એમ.એન. કન્યા વિદ્યાલય, શેઠ એમ.એન. હાઇસ્કૂલ અને કે. જી. મહેતા વિદ્યાલયને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.રાજ્યમાં હાઈકોર્ટની ટકોર બાદ ફાયર સેફટી અને ફાયર વિભાગની NOC લઇને અલગ-અલગ શહેર અને ગામડાઓમાં ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા જિલ્લામાં પણ ફાયર વિભાગ હરકતમાં આવ્યો છે. ફાયર વિભાગ દ્વારા પાદરામાં શાળા, કોલેજ અને દવાખાનાને સીલ કરવાની કામગીરી શરૂ કરી છે.
રિપોર્ટ અનુસાર વડોદરા જિલ્લામાં ફાયર સેફટી અને ફાયર વિભાગની NOC બાબતે ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા અલગ-અલગ હોસ્પિટલ, શાળા અને કોલેજાેમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ફાયર સેફટીના સાધનોના અભાવના કારણે પાદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્રને સીલ કરવામાં આવ્યું છે. સાથે જ એમ.એસ. યુનીવર્સિટીની પાદરામાં આવેલી એમ.કે. અમીન કોલેજને સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત પાદરા નગરપાલિકા સંચાલિત ચોકસી કે.કે. ગર્લ્સ હાઈસ્કૂલને પણ ફાયર સેફટીના સાધનોના અભાવે સીલ કરવામાં આવી છે. સરકારી દવાખાનું, ખાનગી કોલેજ અને નગરપાલિકાની જ શાળા પર ફાયર વિભાગે તવાઈ બોલાવી હોવાના કારણે ચકચાર મચી જવા પામી છે. ફાયર વિભાગ દ્વારા આ કાર્યવાહી ફાયર ચીફ ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટની સુચનાથી હાથ ધરવામાં આવી હતી. હવે ફાયર વિભાગની ટીમ દ્વારા ફાયર સેફટીને લઇને બેદરકારી રાખતી ખાનગી કંપનીઓમાં પણ તપાસ શરૂ કરવામાં આવશે.
મહત્ત્વની વાત છે કે, વહીવટી તંત્ર દ્વારા તમામ શાળા, કોલેજ, જાહેર જગ્યા, દવાખાના અને ખાનગી કંપનીઓમાં ફાયર સેફટીની સુવીધા કરવાની તાકીદ કરવામાં આવે છે. સુચના બાદ ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે અને તપાસ દરમિયાન કોઈ પણ બેદરકારી સામે આવે છે તો જે તે વ્યક્તિને નોટીસ આપવામાં આવે છે અને નોટીસ આપ્યા બાદ પણ આ ખામી દૂર કરવામાં ન આવે તો તે વ્યક્તિની મિલકતને સીલ કરી દેવામાં આવે છે.