સ્પેનનો લા પાલ્મા જ્વાળામુખી ફાટતા તબાહી
લા પાલ્મા જ્વાળામુખીના કારણે અત્યારસુધીમાં ૧૦૩ હેક્ટર જમીન બળીને ખાક થઈ ચુકી છે. અહીં ગરમ લાવા ફેલાયેલો છે. જેમાંથી ઝેરીલા ધૂમાડા નીકળી રહ્યા છે. આ ઉપરાંત, ત્રણ તરફથી વહેતી લાવાની ધારથી ૧૬૬ કરતા વધુ મકાન ધ્વસ્ત અથવા ક્ષતિગ્રસ્ત થઈ ચુક્યા છે. આ કેનરી દ્વીપ પર ૮૦ હજાર લોકો રહે છે, પરંતુ વધુ જોખમ જ્વાળામુખીની આસપાસ રહેતા ૭ હજાર લોકોને હતું, જેઓ હાલ સુરક્ષિત સ્થાન પર છે.સ્પેનના કેનરી આઈલેન્ડ પર સ્થિત લા પાલ્મા જ્વાળામુખી ૫૦ વર્ષ બાદ ફરી સક્રિય થયો છે. હાલ તે ખૂબ જ ગુસ્સામાં છે. હજારો ફૂટ ઉપર સુધી લાવા ફેંકી રહ્યો છે. પાંચ જગ્યાઓ પરથી લાવા ફૂટીને બહાર આવી રહ્યો છે. જ્વાળામુખીમાંથી નીકળનારો લાવા ત્રણ તરફથી એક શહેરને ઘેરી રહ્યો છે. અત્યારસુધી ૧૬૬ કરતા વધુ ઘરોને આ લાવા બાળી ચુક્યો છે. રસ્તાઓ પર લાવાની દીવાલ બની ગઈ છે. સ્વીમિંગ પૂલ્સ પણ પીગળી ચુક્યા છે. હવે જોખમ કેળાના ખેતરોને છે. વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરી છે કે, તે હજુ વધુ થોડાં દિવસ સુધી લાવા ફેંકતો રહેશે.
ત્યારબાદ લાવા ડાયરેક્ટ સમુદ્રમાં જઈને પડશે. પરંતુ ત્યાં સુધી ભારે તબાહી મચી ચુકી હશે. લા પાલ્મા જ્વાળામુખીને લા કંબ્રે વિયેજા એટલે કે ધ ઓલ્ડ સમિટ પણ કહેવામાં આવે છે. આ અગાઉ તે ઓક્ટોબર ૧૯૭૧માં ફાટ્યો હતો. ત્યારે તેણે ત્રણ અઠવાડિયામાં લાવાની નદીઓ વહાવી હતી. ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૧ની રાત્રે થયેલા વિસ્ફોટ બાદ આ જ્વાળામુખી સતત લાવા ઉગલી રહ્યો છે. પાસે આવેલા એલ-પાસો ગામના અનેક મકાનો બળીને ખાક થઈ ગયા છે. નજીકના ગામોના ખેતરો અને ઘરો પીગળીને માટીમાં મળી ચુક્યા છે. સ્પેનના વૈજ્ઞાનિકોએ ૧૬ સપ્ટેમ્બરે જોયુ કે, ભૂકંપની ચેતવણી જાહેર કર્યા બાદ લા પાલ્મા જ્વાળામુખીની આસપાસની જમીન ફૂલવા માંડી હતી. તે આશરે ૨.૩ ઈંચ ઉપસી આવી હતી. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ બીજી સૌથી ઉચ્ચ સ્તરની યલો લેવલની ચેતવણી જાહેર કરી. કેનરી આઈલેન્ડ વોલ્કેનો ઈન્સ્ટીટ્યૂટમાં વોલ્કેનો મોનિટરિંગ ડિપાર્ટમેન્ટના પ્રમુખ લૂકા ડીઓરિયોએ કહ્યું કે, અમે જ્યારે ભૂકંપ અને ધરતી ઉપસી આવવાની ઘટના રેકોર્ડ કરી ત્યારે જ સમજી ગયા હતા કે આ જ્વાળામુખી ૫૦ વર્ષ બાદ ફરી ફાટવાનો છે. ૧૧ સપ્ટેમ્બરથી અત્યારસુધીમાં લા પાલ્મા જ્વાળામુખીની આસપાસ ૨૨ હજાર કરતા વધુ ભૂકંપ રેકોર્ડ કરવામાં આવ્યા છે. ૧૯ સપ્ટેમ્બરે લૂકા ડીઓરિયોની આશંકા સાચી સાબિત થઈ. સારી વાત એ હતી કે, ૧૬ સપ્ટેમ્બર બાદથી જ જ્વાળામુખીની આસપાસ રહેણાંક વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. તેમની સાથે પાલતુ જાનવરો અને પશુઓને પણ વિસ્તારથી દૂર મોકલી દેવામાં આવ્યા હતા. લૂકાએ કહ્યું કે, જ્યારે તે પહેલા દિવસે ફાટ્યો ત્યારે તેના લાવાની ધારે આશરે ૧ કિલોમીટરની ઉંચાઈ હાંસલ કરી હતી. રાખના ગોટેગોટા અને ધૂમાડાના વાદળોએ ચારેબાજુએ અંધકાર કરી દીધો હતો. પરંતુ તે વધુ ના નીકળ્યું. આ જ્વાળામુખીમાંથી લાવા વધુ નીકળી રહ્યો છે.
શરૂઆતમાં એવુ લાગતું હતું કે, આ જ્વાળામુખીના કારણે ઘણી મોટી ત્સુનામીની લહેર આવી શકે છે, જે સમગ્ર પૂર્વી યુરોપને ચપેટમાં લઈ શકે છે, પરંતુ એવુ ના થયું. અત્યારસુધી આ જ્વાળામુખીની આસપાસ સ્થિત રહેણાંક વિસ્તારોમાંથી આશરે ૭ હજાર લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડી દેવામાં આવ્યા છે. કોઈના પણ મોત અથવા ઈજાગ્રસ્ત થવાના સમાચાર નથી. સ્થાનિક જ્વાળામુખી વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, તે આવનારા ચાર-પાંચ દિવસો સુધી લાવા ફેંકતો રહેશે. જે આસપાસના ગામ અને રહેણાંક વિસ્તારોને પાર કરીને સમુદ્રમાં જઈને મળશે. પરંતુ તેને કારણે ઘણું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. લાવા ૨૦૦ મીટર પ્રતિ કલાકની ગતિથી આગળ વધી રહ્યો છે. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી ૭૦૬ મિલિયન ક્યૂબિક ફૂટ એટલે કે આશરે ૨૦૦૦ કરોડ કિલોગ્રામ લાવા જ્વાળામુખીના ગર્ભમાંથી બહાર નીકળીને શહેરો તરફ ફેલાઈ ચુક્યો છે. ૧૧ સપ્ટેમ્બરની આસપાસ સ્થાનિક પ્રશાસને ચેતવણી આપતા કહ્યું હતું કે, લા પાલ્મા જ્વાળામુખી કોઈપણ સમયે ફાટી શકે છે.
ચેતવણી જાહેર કરતા પહેલા વૈજ્ઞાનિકોએ લા પાલ્મા જ્વાળામુખીની આસપાસના વિસ્તારોમાં ૪૦૦૦ કરતા વધુ નાના ભૂકંપોને રેકોર્ડ કર્યા હતા. તેને ભૂકંપની લહેરો કહેવામાં આવે છે. જો સતત ક્યાંક ભૂકંપીય ગતિવિધિ થાય અને ત્યાં જ્વાળામુખી હોય, તો તેના ફાટવાની આશંકા વધી જાય છે. તેનો મતલબ એ થાય કે તે ધરતીના કેન્દ્રમાંથી લાવા ઝડપથી જ્વાળામુખી દ્વારા બહાર નીકળવા માટે ઉપરની તરફ આવી રહ્યો છે.