કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટનો અત્યાર સુધી ૧૩૫ દેશોમાં પગપેસારોઃ WHO
કોરોનાના નવા નવા સ્વરૂપથી સમગ્ર દુનિયામાં હજુ તેનું જોખમ ઓછું નથી થયું. કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટે હાલમાં હાહાકાર મચાવ્યો છે અને હવે દુનિયાના ૧૩૫ દેશોમાં પગપેસારો થયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મતે વિશ્વમાં આગાહમી સપ્તાહ સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨૦ કરોડને પાર થવાની સંભાવના રહેલી છે.
ડબલ્યુએચઓના સાપ્તાહિક અહેવાલ મુજબ વિશ્વમાં ૧૩૨ દેશોમાં કોરોનાના બેટા વેરિઅન્ટ તેમજ ૮૧ દેશોમાં ગામા વેરિઅન્ટના કેસો નોંધાયા છે. આ ઉપરાંત ૧૮૨ દેશોમાં આલ્ફા વેરિઅન્ટના કેસો સામે આવ્યા છે. ભારતમાં સૌપ્રથમ જોવા મળેલા ડેલ્ટા વેરિઅન્ટના અત્યાર સુધીમાં વિશ્વના ૧૩૫ દેશોમાં કેસો નોંધાયા છે.
છેલ્લા એક મહિનાથી વધુના સમયગાળામાં કોરોનાના નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત સપ્તાહમાં એટલે કે ૨૬ જુલાઈથી ૧ ઓગસ્ટ સુધીમાં કોરોનાના ૪૦ લાખ કેસ નોંધાયા છે. કોરોનાના નવા કેસોમાં વધારો પૂર્વિય ભૂમધ્ય અને પશ્ચિમ પેસિફિક ક્ષેત્રોને લીધે થયો છે જ્યાં અનુક્રમે ૩૭ ટકા અને ૩૩ ટકા કેસોમાં વધારો નોંધાયો છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં નવા કેસોમાં ૯ ટકાની વૃદ્ધિ થઈ છે.
આ સપ્તાહમાં કોરોનાથી ૬૪,૦૦૦ દર્દીના મૃત્યુ થયા હતા જેમાં ગત સપ્તાહની તુલનાએ ૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. વર્તમાન સમયે કોરોનાના વૈશ્વિક સ્તરે કેસની સંખ્યા ૧૯.૭ કરોડને આંબી ગઈ છે તેમજ કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા ૪૨ લાખ થઈ છે. આ ટ્રેન્ડ આગળ યથાવત્ રહેતા આગામી સપ્તાહ સુધીમાં કોરોનાના નવા કેસની સંખ્યા વધીને ૨૦ કરોડને પાર થઈ શકે છે તેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને જણાવ્યું છે.
ગત સપ્તાહમાં અમેરિકામાં સૌથી વધુ ૫,૪૩,૪૨૦ નવા કેસ નોંધાયા હતા જે ૯ ટકાનો વધારો સુચવે છે. ભારતમાં સાત ટકાના વધારા સાથે સપ્તાહમાં ૨,૮૩,૯૨૩ કેસ નોંધાયા હતા. ઈન્ડોનેશિયામાં ૨,૭૩,૮૯૧ નવા કેસ, બ્રાઝીલમાં ૨,૪૭,૮૩૦ નવા કેસ સામે આવ્યા હતા જે ૨૪ ટકાનો ઉછાળો દર્શાવે છે અને ઈરાનમાં ૨૭ ટકાના વધારા સાથે ૨,૦૬,૭૨૨ કેસ નોંધાયા હતા.
દક્ષિણ પૂર્વ એશિયામાં ભારતમાં સૌથી વધુ કેસ નોંધાયા હોવાનું ડબલ્યુએચઓએ રિપોર્ટમાં જણાવ્યું છે. એક અંદાજ મુજબ ભારત, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડનો મળીને નવા કેસોમાં ૮૦ ટકા ફાળો રહ્યો છે.