ઉનાળાની એન્ટ્રીઃ રાજ્યમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો
ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો થયો છે. રાજ્યમાં ગરમીના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે ૧૧ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૭ ડિગ્રીથી વધુ રહ્યો હતો જ્યારે ૩૯ ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ૩૮.૯ ડિગ્રી સાથે વર્તમાન સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૪.૯ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૮ જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં ૩૮ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં ડીસા, વલ્લભ વિદ્યાનગર, વડોદરા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમ દિશાનો પવન છે. આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની કોઇ સંભાવના નથી. પરંતુ ઉત્તર ગુજરાત, સૌરષ્ટ્ર-કચ્છમાં આગામી ૨૪ કલાક દરમિયાન તાપમાન ૩૭થી ૩૯ ડિગ્રીની વચ્ચે રહેશે. આગામી ૪-૫ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની પણ સંભાવના નથી.