જોખમી કચરાના પુન: વપરાશ બાબતે હેઝાર્ડસ વેસ્ટ રૂલ્સ (રૂલ-૯) અંર્તગત સ્ટાંડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર (SOP) સમયબધ્ધ રીતે બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સુદ્દઢ આયોજન
જોખમી કચરાનો અન્ય ઉત્પાદનોમાં કાચા માલ તરીકે વપરાશ માટે હેઝાર્ડસ વેસ્ટ રૂલ્સ (રૂલ-૯)ની મંજૂરીની જરૂર હોય છે. આ મંજૂરી માટેની પડતર અરજીઓનો નિકાલ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અપાયેલ સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે માનનીય પર્યાવરણ મંત્રીશ્રી કીરીટસિંહજી રાણા તથા માનનીય રાજ્યકક્ષા મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ની ઊપસ્થિતિમાં સમીક્ષા બેઠક ગીર ફાઊન્ડેશન ગાંધીનગર ખાતે તા. ૧૧/૦૫/૨૦૨૨ ના રોજ યોજાઇ હતી. આ બેઠકમાં વન અને પર્યાવરણ વિભાગના માનનીય અધિક મુખ્ય સચિવશ્રી, એડિશનલ સેક્રેટરીશ્રી, તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના માનનીય અધ્યક્ષશ્રી અને સભ્ય સચિવ હાજર રહેલ.
આ વિષયે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જણાવ્યા મુજબ. તેઓને કુલ ૮૪૫ અરજીઓ મળેલ હતી. જે પૈકી ૩૪૮ અરજીઓની સ્ટાંડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર (SOP) બની જતા નિકાલ થઇ ગયેલ છે.
બાકી રહેલ ૪૯૭ અરજીઓ પૈકી ૧૯૪ અરજીઓને કેંદ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ના-મંજુર કરેલ છે અથવા ઔદ્યોગિક એકમ દ્વારા આ અરજીઓ પરત લઇ લીધેલ છે. ૧૦૫ અરજીઓની ડ્રાફટ SOP બની ગયેલ છે અને તે કેંદ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને મંજૂરી અર્થે મોકલી આપેલ છે.
બાકીની ૯૫ અરજીઓના નિકાલ માટે બોર્ડ દ્વારા ૨૪ ટ્રાયલ રન મંજૂર કરેલ છે, અને ૭૭ અરજીઓ માટે ઉદ્યોગો પાસેથી માહિતી મંગાવેલ છે અને ૨૬ અરજીઓ ચકાસણી હેઠળ છે.
માનનીય મંત્રીશ્રી દ્વારા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની માર્ગદર્શિકા મુજબ રૂલ-૯ અંર્તગત બાકી રહેલ અરજીઓના ટ્રાયલરન તથા SoP બનાવવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપેલ. આ બાબતે સરકારે કડક વલણ અપનાવી ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરવા જણાવેલ છે.
પડતર અરજીઓ પૈકી આશરે ૭૭ ઉદ્યોગો દ્વારા SoP બનાવવા માટે જરૂરી માહિતી/પ્રેઝન્ટેશન ઘણા લાંબા સમયથી જમા કરાવેલ નથી આ તમામ ઉદ્યોગોને તાત્કાલિક નોટીસ આપી દિન-૭ માં માહિતી જમા કરવા માટે સૂચના આપવામાં આવી. અને જો એકમ તે પ્રમાણે ન કરે તો આવી અરજી રદ કરવા સુધીના પગલાં લેવા માટે જણાવવામાં આવેલ. વધુમાં ટ્રાયલ રન માટે પૂર્તતા ન કરી રહેલ એકમો સામે પણ કડક પગલાં લેવા માટે પણ સૂચન કરવામાં આવેલ. આગામી ૩ માસમાં ટ્રાયલ રનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા વિવિધ તજજ્ઞ સમિતિનું ગઠન કરવામાં આવેલ છે.