સુરતના સચીન જીઆઈડીસીની કંપની પાસે ૧૦ લાખની ખંડણી માંગતા ફરિયાદ
સુરતના સચીનમાં યાર્નની કંપનીની બાજુમાં હાઇવે પરથી વરસાદી પાણી નીકળવાના નાળામાં કલર કેમિકલવાળું પાણી વહેતું કરી તેનો વિડીયો બનાવી કંપનીને બદનામ કરવા માટે ગભરૂ ભરવાડ એન્ડ ટોળકીએ ૮ થી ૧૦ લાખની ખંડણી માંગતા મામલો સચીન પોલીસમાં પહોંચ્યો છે.
સચીન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગોકુલાનંદ પેટ્રોફાઇબર્સ નામની યાર્ન બનાવવાની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા નવીન સુરેશ જાંગીડએ સચીન પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ગભરૂ ભરવાડ (રહે,નવકાર રેસીડન્સી,સચીન જીઆઇડીસી), નાજુ ભરવાડ (રહે,સ્લમ બોર્ડ,સચીન), લાલો ભરવાડ(રહે,પારડી,સચીન) અને કનુ ભરવાડ(રહે,સ્લમ બોર્ડ,સચીન)ની સામે ખંડણીનો ગુનો નોંધ્યો છે. ૧૦મી ઓગસ્ટે કંપનીના માલિક પર ગભરૂ ભરવાડે વોટસએપ પર એક વિડીયો મોક્લ્યો હતો.
વિડીયોમાં પલસાણા મુખ્ય રોડ પર ગોકુલાનંદ પેટ્રોફાઇબર્સ કંપનીના નાળા અને ખેતરોમાં ઝેરી રસાયણ યુક્ત કેમિકલ છોડીને પ્રદૂષણ ફેલાવે છે. જો કે ગભરૂ ભરવાડે કંપનીની બાજુમાં હાઇવે પરનું વરસાદી પાણી નીકળવાના નાળામાં કલર કેમિકલ કે અન્ય કોઈ પદાર્થ આગળથી નાખી વિડીયો બનાવી કંપનીને બદનામ કરવાનું કાવતરૂ કરેલ હોવાનું ધ્યાને આવ્યું હતું આ બાબતે કંપનીના માલિકે ટ્રાન્સપોર્ટનો કોન્ટ્રાકટર ચલાવતા રણછોડ બાબરીયાને વાત કરી હતી.
કોન્ટ્રાકટરે ગભરૂને કોલ કરી કંપનીને ખોટી રીતે બદનામ નહિ કરવા જણાવ્યું હતું. આથી ગભરૂએ કહ્યું કે તમારા શેઠ ૮ થી ૧૦ લાખ રૂપિયા આપે તો સમાધાન થાય નહિ તો કંપની વિરુધ્ધ જીપીસીબીમાં ખોટી ફરિયાદો કરી ખોટા વિડીયો મોકલી કંપનીને મોટો દંડ કરાવી બંધ કરાવી દઈશું, એવી ધમકી આપી હતી. થોડા દિવસો પછી કંપનીની બહાર અને ફરતે સીસીટીવી કેમેરા લગાડયા હતા. આ કેમેરા ચેક કરતા પાછળના ગેટ પર બે ઈસમો આવી વેસ્ટ કચરૂ નાખી વિડીયો બનાવતા દેખાયા હતા. જે બે ઈસમો પૈકી એકનું નામ નાજુ ભરવાડ અને બીજાનું લાલો ભરવાડ છે. આવી જ રીતે ગભરૂ ભરવાડ વિડીયો મોકલી કંપનીના માલિકના મોબાઇલ પર મોકલતો હતો. આ ઉપરાંત ૨૮મી ઓગસ્ટે બાઇક લઈ નાજુ ભરવાડ, કનુ ભરવાડ અને મોપેડ પર લાલો ભરવાડ કંપનીના ગેટ પાસે આવી ફોટા પાડતા હતા.