શહેરની શાન સાબરમતી નદી બની ગંદકીનું સામ્રાજ્ય
એક તરફ સરકાર સ્વચ્છતાની વાતો કરી રહી છે. ગુજરાતમાં સાફ-સફાઈ રહે તે માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. બીજીતરફ અમદાવાદ કોર્પોરેશન પણ સ્વચ્છતા માટે કાર્ય કરતું રહે છે. પરંતુ અમદાવાદની શાન ગણાતી સાબરમતી નદી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સાબરમતી નદીમાં પાણી દેખાવાની જગ્યાએ લીલી ચાદર જોવા મળી રહી છે.
સાબરમતી નદીમાં હાલના દિવસોમાં ગંદકી જોવા મળી રહી છે. નદી તરફ નજર કરો તો પાણીની જગ્યાએ લીલી ચાદર જોવા મળી રહી છે. ડફનાળા સર્કલથી રિવરફ્રન્ટ તરફ આવતા સાબરમતી નદીના ભાગમાં લગભગ અડધો કિલોમીટર લીલ જામી છે. નદીમાં પથરાયેલી લીલ જોતા પ્રથમ દ્રષ્ટિએ ક્રિકેટનું મેદાન, લીલુંછમ ખેતર હોવાનો આભાર થાય છે.
સમયાંતરે સાફ સફાઈના અભાવે લગભગ અડધો કિલોમીટર નદીમાં પાણીના બદલે દેખાઈ રહી છે માત્ર લીલ, કચરો તેમજ ગંદકીની ચાદર જોવા મળી રહી છે. સાબરમતી નદીમાં ગટરનું પાણી છોડવું, કેમિકલયુક્ત પ્રદુષિત પાણી છોડવું, વહેતા પાણીને બંધિયાર બનાવી દેવાની વાત હોય, આ તમામ કિસ્સાઓને કારણે સાબરમતી નદી લાંબા સમયથી ગંદકીનો ગઢ બની રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીને સાફ રાખવા મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ કેટલા ભાગમાં કેટલું કામ થઈ રહ્યું છે એનું આ જાગતું ઉદાહરણ છે. નદીઓમાં પણ જોવા મળી રહેલા આ પ્રકારના ગંદકીના દ્રશ્યોને કારણે સતત પર્યાવરણ પર અસર થઈ રહી છે.