કાલોલની કરાડ નદીમાં કેમિકલયુક્ત પાણી નદીમાં છોડાતા પર્યાવરણ પર જોખમ
હાલોલ અને કાલોલ ઔદ્યોગિક વસાહતના કેટલાક એકમો આસપાસના ગામડાઓ માટે ખતરો સમાન બની રહ્યા છે. ગામડાઓની જમીનો નષ્ટ થઈ રહી છે, ખેતીની ઉપજો ઘટી રહી છે તો જમીનમાં પાણી પીવાલાયક નથી રહ્યા. મોટેભાગે કેટલાક ઔદ્યોગિક એકમોમાં ટીએમટી પ્લાન્ટ જ નથી..!! અને છે તો ચલાવવાની તસ્દી નથી લેવાઈ રહી. કંપનીઓમાંથી નીકળતું કેમિકલયુક્ત દૂષિત પાણી સીધું બહાર છોડી દેવામાં આવતા આ પાણી નાના કોતરો, નદીઓ મારફત ગામડાઓ સુધી પહોંચે છે.
કાલોલની કરાડ નદીમાં બાકરોલ પાસે નદીમાં પાણી આવતા જ સફેદ ફીણના ડુંગરો ઉભા થયા હોય તેવા દ્રશ્યો સર્જાય છે. છેલ્લા ૬ વર્ષથી વરસાદના પહેલા, બીજા ત્રીજા પાણીએ આવા જ દ્રશ્યો સર્જાય છે. ઉપરવાસમાં આવેલી કેટલીક કંપનીઓ જે પૈકી હાલોલ ઔદ્યોગિક વસાહતમાં ગેરકાયદે ચાલતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકની પોલીથીન બનાવતા એકમો દ્વારા દૂષિત પાણીનો નિકાલ કરાડ નદીમાં કરવામાં આવી રહ્યો છે. એ સિવાય પણ કેટલાક એકમો દ્વારા કેમિકલયુક્ત દૂષિત પાણી સીધું નદીમાં છોડી દેવામાં આવતા પર્યાવરણ ઉપર ગંભીર ખતરો ઉભો થઇ રહ્યો છે. બાકરોલ ગામે નદીની નજીક રહેતા પશુપાલકો આ સમસ્યા સામે પોતાનું ગૌધન સુરક્ષિત રહે એ માટે ઝઝૂમી રહ્યા છે. ગાયો આ દૂષિત પાણી પી લે છે તો ઘણી સમસ્યાઓ થતી હોવાનું પશુપાલકો જણાવી રહ્યા છે. ઘણી વખત પશુધન ગુમાવવાનો વારો પણ આવતા તેઓ આ ચાલુ વર્ષે પણ ફીણના ગોટાનો ડુંગર સર્જાતા ચિંતિત બન્યા છે. ગ્રામજનો સતત છ વર્ષથી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી રહ્યા છે, પરંતુ ગ્રામજનો નો અવાજ કોઈ સાંભળતું નથી.
બાકરોલ સહિતના આજુ બાજુના લગભગ ગામડાઓની જમીનો નકામી બની રહી છે. ખેત ઉત્પાદન ઘટી રહ્યું છે, તો ગામમાં જ્યાં બોર કરવામાં આવે જમીનમાંથી દૂષિત કેમિકલયુક્ત પાણી નીકળી રહ્યું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. પંચમહાલ જિલ્લા પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પણ આ ફીણના ડુંગરો સર્જાતા પાણીના નમૂના લેવામાં આવે છે. પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કે પરિણામ મળતું નથી. બે વર્ષ અગાઉ જ્યાં ઔદ્યોગિક એકમો દ્વારા નદીમાં પાણી ઠલવાય છે ત્યાંથી પણ નમૂનાઓ લેવડાવવામાં આવ્યા હતા, પરંતુ ઔદ્યોગિક એકમો સાથે પર્યાવરણ અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓના સુમેળભર્યા વ્યવહાર ને કારણે ચોક્કસ કાર્યવાહીની અપેક્ષા લોકો રાખી રહ્યા નથી.
કાલોલના બાકરોલગામ નજીકથી પસાર થતી કરાડ નદીમાં હાલોલ અને કાલોલ ઔદ્યોગિક વસાહતના કેટલાક એકમો દ્વારા વર્ષ દરમ્યાન કેમિકલયુક્ત દૂષિત પાણીનો નિકાલ કરવાને પરિણામે ચોમાસા દરમ્યાન નદીમાં આવતા નીર કરાડ ડેમ પાસે વિચિત્ર દ્રશ્યો સર્જે છે. નદીના પેટાળમાં છોડવામાં આવેલા કેમિકલને કારણે નદીમાં પાણી આવતા જ ફીણના ડુંગરો સર્જાય છે. પર્યાવરણ જોખમાતુ હોવા અને સ્થાનિક રહીશો પરેશાન થતા હોવા છતાં પંચમહાલ જિલ્લા તંત્ર અને જીપીસીબીના અધિકારીઓ કોઈ નક્કર કાર્યવાહી કરતા નથી.