હિમાચલમાં ફરી તબાહીનું જોખમ!.. ૧૨માંથી ૮ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હિમાચલ પ્રદેશમાં ૨ દિવસ ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું
હિમાચલપ્રદેશઃ મંગળવારે હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્યાની સ્થાનિક હવામાન કચેરીએ રાજ્યના ૧૨માંથી ૮ જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ જાહેર કર્યું. શિમલાના ડેપ્યુટી કમિશનર આદિત્ય નેગી અને મંડીના ડેપ્યુટી કમિશનર અરિંદમ ચૌધરીએ આ ચેતવણીને ધ્યાનમાં રાખીને આજે અને ગુરુવારે પોતપોતાના વિસ્તારોમાં તમામ શાળા અને કોલેજા બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
બિલાસપુરના ડેપ્યુટી કમિશનર આબિદ હુસૈન સાદીકે પણ કહ્યું કે આજે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. જો કે મંગળવારે વરસાદને કારણે કોઈ જાનહાનિની કોઈ માહિતી નથી. આ મહિનાની શરૂઆતમાં, શિમલામાં ભૂસ્ખલન અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં લગભગ ૮૦ લોકોના મોત થયા છે. IMDએ બે દિવસ ભારે વરસાદની આગાહી કરતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે ૨૫ અને ૨૬ ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ સિવાય IMDએ રાજ્યમાં ૨૮ ઓગસ્ટ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જણાવી દઈએ કે ૨૪ જૂને ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી હિમાચલમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૨૨૭ લોકોના મોત થયા છે, જ્યારે ૩૮ લોકો હજુ પણ લાપતા છે. તે જ સમયે ૧૨,૦૦૦થી વધુ મકાનોને સંપૂર્ણ અથવા આંશિક રીતે નુકસાન થયું છે. આંકડાઓ અનુસાર, રાજ્યને લગભગ ૮,૧૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તે જ સમયે, મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુનો દાવો છે કે આ નુકસાન ૧૦,૦૦૦ કરોડનું છે.